ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે ખુશખબર

રૂા.ર૬ કરોડના ખર્ચે વિકાસ પામેલા પ્રખ્યાત નળસરોવરને પર્યટકો માટે ખુલ્લુ મુકાયું

ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે ખુશખબર

(બ્યુરો)       નળ સરોવર,તા.૧૬: 
ગુજરાતના પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે ખુશખબર સામે આવી છે. ગુજરાતનું વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્ય ૯ ઓક્ટોબરથી સત્તાવાર રીતે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ચોમાસાની સીઝન દરમિયાન પક્ષીઓના સંરક્ષણ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂન મહિનાથી નળસરોવર બંધ રાખવામાં આવ્યું હતું. જાેકે, છેલ્લા એક અઠવાડિયાથી પ્રવાસીઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી, પરંતુ હવે અભયારણ્ય સત્તાવાર રીતે પ્રવાસીઓ માટે ખુલ્લું થઈ ગયું છે. દેશ-વિદેશથી આવતા દુર્લભ અને યાયાવર પક્ષીઓને જાેવા માટે નળસરોવર શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં અહીં મોટી સંખ્યામાં પક્ષીઓ જાેવા મળતા હોવાથી પક્ષીપ્રેમીઓ, ફોટોગ્રાફરો અને પ્રકૃતિપ્રેમીઓ માટે આ સ્થળ ખાસ આકર્ષણ ધરાવે છે.
આ વર્ષે પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અંદાજે રૂ.૨૬ કરોડના ખર્ચે નળસરોવરમાં વિકાસનાં કામો કરવામાં આવ્યાં છે. આ વિકાસકાર્યોના કારણે નળસરોવરનું રૂપ બદલાયું છે અને પ્રવાસીઓ માટે અહીંનું આકર્ષણ વધ્યું છે. પ્રવાસીઓની સુવિધા માટે નવો વોચ ટાવર, આકર્ષક પ્રવેશદ્વાર, આધુનિક ફૂડ કોર્ટ અને વિશાળ ર્પાકિગ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.