ગુજરાતમાં ‘બાળ સુરક્ષા’ માટે ઐતિહાસિક પહેલ, રાજ્ય સરકારે જાહેર કરી ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’
બાળકો સામે હિંસા, શોષણ, દુર્વ્યવહાર અને ઉપેક્ષા સામે ‘ઝીરો ટોલરન્સ’; શાળા-હૉસ્પિટલથી લઈને જાહેર સ્થળો અને ડિજિટલ દુનિયા સુધી સુરક્ષાનું કવચ
ગાંધીનગર તા.15
ગુજરાતના દરેક બાળકને સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને અધિકારસભર બાળપણ મળે તે હેતુથી રાજ્ય સરકારે ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલી આ નીતિમાં બાળકો સામે હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને ભેદભાવ સામે ‘ઝીરો ટોલરન્સ’નો અભિગમ અપનાવવામાં આવ્યો છે. નવી નીતિ હેઠળ બાળ સુરક્ષાનો વ્યાપ ઘર કે શાળા પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ હૉસ્પિટલ, બાળ સંભાળ સંસ્થા, કાર્યસ્થળ, જાહેર સ્થળો અને ડિજિટલ દુનિયા સુધી વિસ્તરશે.
મુખ્યમંત્રીના માર્ગદર્શન તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વ હેઠળ જાહેર કરાયેલી આ નીતિનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં એવું વાતાવરણ ઊભું કરવાનો છે, જેમાં દરેક બાળક હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને ભેદભાવથી મુક્ત રહી પોતાની ક્ષમતાનો સંપૂર્ણ વિકાસ કરી શકે.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના જાહેરનામા મુજબ નીતિ રાજપત્રમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી છે. નીતિ તૈયાર કરતાં પહેલાં મળેલા વાંધા અને સૂચનોને ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. સાથે જ POCSO નિયમો, જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધ કાયદો, બાળમજૂરી સંબંધિત કાયદા, શાળા સલામતી માર્ગદર્શિકા અને રાષ્ટ્રીય બાળ નીતિ સહિતના કાયદાકીય અને નીતિગત માળખાનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
નવી નીતિમાં કોઈ ઘટના બન્યા બાદ માત્ર કાર્યવાહી કરવાને બદલે નિવારણ, જોખમની સમયસર ઓળખ, તાત્કાલિક પ્રતિભાવ, પુનર્વસન અને પુનઃસમાવેશન સુધીની વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂકાયો છે. બાળકનું શ્રેષ્ઠ હિત, સમાનતા, જીવન અને વિકાસનો અધિકાર, બાળકના મતનો આદર, ગૌરવ, ગુપ્તતા અને જવાબદારીને નીતિના મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંતોમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ધર્મ, જાતિ, લિંગ, દિવ્યાંગતા, સામાજિક-આર્થિક સ્થિતિ, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ કે ભૌગોલિક વિસ્તારના આધારે બાળકો સાથે કોઈ ભેદભાવ ન થાય અને તમામ બાળકોને બાળ સંરક્ષણ સેવાઓનો સમાન લાભ મળે તે બાબતને વિશેષ મહત્વ અપાયું છે. સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, અનાથ અને સ્થળાંતરિત બાળકો, દિવ્યાંગ બાળકો, માનવ તસ્કરીથી પ્રભાવિત બાળકો, શેરીમાં રહેતા બાળકો, વંચિત સમુદાયોના બાળકો તેમજ ટ્રાન્સજેન્ડર અને આંતરલિંગી બાળકો સહિત સંવેદનશીલ પરિસ્થિતિમાં રહેલા બાળકો માટે વિશેષ સુરક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.
બાળ સુરક્ષાને માત્ર એક સરકારી વિભાગની જવાબદારી ન ગણતાં સ્થાનિક સંસ્થાઓ, NGO, નાગરિક સમાજ, કૉર્પોરેટ અને વેપારી ગૃહો, ઉદ્યોગો, મીડિયા અને ધાર્મિક સંસ્થાઓ તેમજ બાળકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવતી વ્યક્તિઓને પણ આ વ્યવસ્થાના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે.
ડિજિટલ યુગના જોખમોને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ ટેક્નોલોજી સાથે જોડાયેલા સાયબર જોખમોથી બાળકોને સુરક્ષિત રાખવા માટે પણ વ્યવસ્થા મજબૂત કરવાની જોગવાઈ છે. આ સાથે બાળ-સુરક્ષિત શાળાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ, બાળ સંભાળ સંસ્થાઓ, કાર્યસ્થળો, જાહેર સ્થળો અને ડિજિટલ વાતાવરણને પ્રોત્સાહન આપવામાં આવશે.
બાળકો સાથે સીધો સંપર્ક ધરાવતી સંસ્થાઓના શિક્ષકો, તબીબો, આરોગ્યકર્મીઓ, સલાહકારો અને અન્ય કર્મચારીઓ માટે જવાબદારી નક્કી કરવામાં આવશે. બાળ દુર્વ્યવહાર, જાતીય શોષણ, બાળલગ્ન, બાળમજૂરી, માનવ તસ્કરી, ઑનલાઇન દુર્વ્યવહાર, ભેદભાવ, ત્યાગ અથવા ઉપેક્ષાની શંકા જણાય તો CHILD HELPLINE 1098/112, પોલીસ અથવા બાળ કલ્યાણ સમિતિને જાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે.
બાળકો સાથે સંપર્કમાં આવતા નિયમિત અને કરાર આધારિત કર્મચારીઓ, સ્વયંસેવકો તથા અન્ય વ્યક્તિઓની પૃષ્ઠભૂમિની તપાસ અને પોલીસ વેરિફિકેશન સુનિશ્ચિત કરવાની જોગવાઈ પણ નીતિમાં કરવામાં આવી છે. કર્મચારીઓને બાળ અધિકારો, POCSO અને જુવેનાઈલ જસ્ટિસ સહિત સંબંધિત કાયદાઓ અંગે તાલીમ આપવાની રહેશે.
આરોગ્યસંભાળના ક્ષેત્રમાં પણ બાળક સાથે લિંગ, જાતિ, દિવ્યાંગતા, ધર્મ, ભાષા કે અન્ય કોઈ સ્થિતિના આધારે ભેદભાવ કે સારવારનો ઇનકાર ન થાય તે બાબત પર ભાર મૂકાયો છે. ઉપરાંત 50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં કર્મચારીઓના બાળકો માટે ક્રેચ અથવા મોબાઇલ ક્રેચની સુવિધાની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર સ્થળોએ પણ બાળ-અનુકૂળ ઝોન અને માતાઓ માટે શિશુ સંભાળની સુરક્ષિત જગ્યાઓ વિકસાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
નીતિના અમલીકરણ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નોડલ વિભાગ તરીકે કામગીરી કરશે. દરેક સરકારી વિભાગે નીતિને અનુરૂપ વાર્ષિક અમલીકરણ યોજના તૈયાર કરવાની રહેશે. જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક વર્ષની અંદર સંબંધિત વિભાગોએ કાર્યકારી માર્ગદર્શિકા અને પ્રોટોકોલ તૈયાર કરવાના રહેશે.
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી નીતિના અમલીકરણ પર દેખરેખ રાખશે, જ્યારે રાજ્યના મુખ્ય સચિવ દ્વારા તેની વાર્ષિક સમીક્ષા કરવામાં આવશે. નીતિના પરિણામો અને પ્રગતિનું દર ત્રણ વર્ષે અથવા જરૂરિયાત મુજબ તે પહેલાં પણ મૂલ્યાંકન કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આમ, ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ દ્વારા રાજ્ય સરકારે પરિવારથી શાળા, હૉસ્પિટલથી જાહેર સ્થળ અને ભૌતિક દુનિયાથી ડિજિટલ પ્લેટફોર્મ સુધી બાળકો માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવા વ્યાપક માળખું તૈયાર કર્યું છે.


