ગીરનાર-ભવનાથના વિકાસની વાત માત્ર કાગળ પર રૂા. ૧૩ર કરોડની સામે ફાળવ્યા માત્ર રૂા. ૧પ કરોડ !
જૂનાગઢ તા. ર૬
જૂનાગઢ નજીક અવેલા ગીરનાર અને ભવનાથનાં વિકાસની વાત રજુ કરતાં એક પ્રોજેકટ અંગે જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહી આ જાહેરાતની સાથે રૂા. ૧૩ર કરોડની માતબર રકમ ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. અને સાથે જ આગામી સમયમાં કામગીરી કેવા પ્રકારની થશે તે અંગેનાં રંગીન ફોટાઓ સાથેનાં વિસ્તૃત અહેવાલો પણ સામે આવ્યા હતાં. પ્રવાસન ધામ તરીકે ઓળખાતા ગીરનાર અને ભવનાથનાં વિકાસ માટેની રૂપરેખા જાહેર થતાં ભાવિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. દરમ્યાન ગીરનારનાં વિકાસની વાત હાલ તો માત્ર કાગળ ઉપર રહી ગઈ હોય તેમ મનાય છે. કારણ કે ગીરનાર વિકાસનાં મહત્વનાં પ્રોજેકટને રૂા. ૧૩ર કરોડનાં કુલ ખર્ચની તાંત્રીક મંજુરી પણ હજુ મળી ન હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રૂા. ૧૩ર કરોડનાં સામે બજેટમાં માત્ર રૂા. ૧પ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જૂનાગઢને પ્રવાસન નગરી તરીકે વિકસાવવાની વાતો થાય છે પરંતુ જયારે મનપાનાં વિરોધ પક્ષ દ્વારા આરટીઆઈ અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
આ અંગે મળતી વિગત અનુસાર સરકાર દ્વારા ગીરનાર વિકાસ માટે માત્ર રૂા. ૧પ કરોડનું બજેટ જ ફાળવ્યું છે. વર્ષ ર૦રપ-ર૬માં રૂા. ૧૦ કરોડ અને વર્ષ ર૦ર૬-ર૭માં માત્ર રૂા. પ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આટલી નાની રકમથી વિકાસ માટેની મહાપ્રોજેકટની કામગીરી કઈ રીતે શકય બને તેવો સવાલ ઉઠવા પામ્યો છે. વિશેષમાં આરટીઆઈનાં જવાબમાં નોડલ ઓફીસરની માહિતી માંગતા આ પ્રોજેકટ માટે કોઈ નોડલ ઓફીસરની નિમણુંક થઈ નથી. આ પ્રોજેકટનું કામ કોણ સંભાળે છે અને મોનીટરીંગ કોણ કરે છે તેનો પણ કોઈ જવાબ નથી. રૂા. ૧૩ર કરોડનાં કુલ ખર્ચની તાંત્રીક મંજુરી પણ મળી નથી. માર્ગ અને મકાન વિભાગનાં પત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે
રૂા. ૧૦ કરોડની ગ્રાન્ટ પડેલી છે અને રૂા. ૧૩ર કરોડનું એસ્ટીમેન્ટ છે જે જીએસટી સહીત તાંત્રીક મંજુરી માટે ખાણ અને ખનીજ વિભાગને મોકલવામાં આવ્યું છે. વન વિભાગની મંજુરીની વાત કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી નકશા, પ્લાન અને એસ્ટીમેન્ટ પણ બનાવવામાં આવ્યા ન હોવાની માહિતી સામે આવતાં અનેક સવાલો ચર્ચાનો વિષય બન્યા છે. જૂનાગઢ શહેરથી માત્ર ચાર કિ.મી. દુર આવેલ ગરવા ગીરનાર અને ભવનાથ તિર્થ ક્ષેત્રમાં આવતા શ્રધ્ધાળુઓ, ભાવિકો અને પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. દુર દુરથી પ્રવાસીઓ ગીરનાર ક્ષેત્રની મુલાકાતે આવે છે. શિવરાત્રી અને પરીક્રમાનાં મેળાનું આગવું અને અનેરૂ મહત્વ રહેલું છે. આ બંને મેળામાં દર વર્ષે અંદાજીત દશ-દશ લાખ યાત્રીકો પધારે છે. અને ભજન, ભોજન, ભકિતનાં ત્રિવેણી સંગમ સમા મેળામાં મહાલી અને ભકિતનાં મહાસાગર સમા માહોલથી અભીભૂત છે. એકલા ગુજરાત જ નહીં પરંતુ દેશભરનાં લોકો ખાસ તો ભવનાથનાં નિર્થ સ્થાનો અને ગીરનારની યાત્રાએ આવતા રહયા છે. અહીં ગીરનારની યાત્રાએ આવનારા સંખ્યાબંધ યાત્રાળુઓ ગીરનારની ટોચ પર બિરાજતાં અંબાજી માતાજીનાં દર્શને આવે છે. ભગવાન ગુરૂ દત્તાત્રેયની ટુંક પર જાય છે. અને દર્શનનો લાભ લે છે. અંબાજી માતાજીનાં મંદિરે સાડા પાંચ હજાર પગથીયા ચડી અને પદયાત્રા કરી માનતા પૂર્ણ કરે છે. ભવનાથ અને ગીરનાર ક્ષેત્રમાં આવેલા ધર્મસ્થાનો, તિર્થસ્થાનો શ્રધ્ધાળુઓ, ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર રહેલા છે. ગીરનાર અને ભવનાથને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવે તેવી લાગણીને ધ્યાને લઈ સરકાર દ્વારા ભવનાથ અને ગીરનારનાં વિકાસ માટે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ભાવિકોની લાગણી સંતો, આગેવાનોની રજુઆતોની નોંધ લઈ સરકાર પણ ગીરનાર ક્ષેત્રનાં વિકાસ માટે આગળ વધી અને કામગીરી હાથ ધરવા પ્રયત્નશીલ બનેલ છે. અને જેના ભાગરૂપે ફેબ્રુઆરી માસમાં ભવનાથ ખાતે યોજાયેલા પાંચ દિવસનાં શિવરાત્રી મેળાને મીનીકુંભ મેળા સમી ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સરકારનાં સીધા માર્ગદર્શન હેઠળ શિવરાત્રી મેળાની થયેલ ભવ્ય ઉજવણીને લઈ અને હવે નજીકનાં સમયમાં ગીરનાર વિકાસ અભિયાન હાથ ધરવામાં આવે તેવી આશા જૂનાગઢવાસીઓ, શ્રધ્ધાળુઓ અને પ્રવાસી જનતા રાખી રહયા છે. દરમ્યાન ગીરનારનાં વિકાસ માટે રૂા. ૧૩ર કરોડની જાહેરાત સામે બજેટમાં માત્ર રૂા. ૧પ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું બહાર આવતા સારી એવી ચર્ચા જગાવી છે. દરમ્યાન જૂનાગઢમાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાનાં કારણે અર્થતંત્ર મોટાભાગે પ્રવાસન પર આધારીત છે. જેથી જૂનાગઢને પ્રવાસન નગરી તરીકે વિકસાવવાની અતિ આવશ્યકતા છે. ત્યારે સરકાર દ્વારા ગીરનારનાં સર્વાંગી વિકાસની પ્રક્રિયાને ઝડપથી આગળ ધપાવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


