ગીર સોમનાથ જીલ્લામાં ડીઝલની અછતને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા : ઉનાળું પાકની લણણી અને ચોમાસુ વાવેતર અટવાયા

ગીર સોમનાથ જીલ્લામાં ડીઝલની અછતને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા : ઉનાળું પાકની લણણી અને ચોમાસુ વાવેતર અટવાયા

(જાદવ ભોળા દ્વારા)
લોઢવા, તા.20 
સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જાેવા મળી રહી છે. વહેલી સવારથી જ ટ્રેક્ટર, કેરબા અને ડીઝલના ડબ્બા લઈને ખેડૂતો પેટ્રોલ પંપ ઉપર ઉમટી પડ્યા હતા. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ડીઝલની અછત સર્જાતા અનેક પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ખલાસ થઈ ગયું છે. કેટલાક પેટ્રોલ પંપ ઉપર ‘ડીઝલ નથી’ના બોર્ડ લગાવવાની ફરજ પડી છે. ખેતીની સીઝન વચ્ચે ડીઝલ ન મળતા ખેડૂતોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ ઉનાળું પાકની લણણી પુરજાેશમાં ચાલુ છે. તથા ખેતરમાં વાવણી પૂર્વેના કામ, ટ્રેક્ટર ચલાવવાના કામ તેમજ પાણી ખેંચવા માટે ડીઝલની ખૂબ જ જરૂર છે, પરંતુ પૂરતું ડીઝલ ન મળતા ખેતીના કામકાજ પર સીધી અસર પડી રહી છે. ડીઝલ માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પૂરતું ઇંધણ મળતું નથી તેવી પણ ખેડૂતોમાં ફરિયાદ ઉઠી રહી છે. લોઢવા ગામના પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેકટર સાથે ભેગા થતા ભારે ભીડના દ્રશ્યો સર્જાયા હતા. આવી સ્થિતિને પગલે ખેડૂતોમાં રોષનો માહોલ જાેવા મળી રહ્યો છે. હવે ડીઝલ પુરવઠો ક્યારે સામાન્ય બનશે તે તરફ સમગ્ર જિલ્લાના ખેડૂતોની નજર મંડાઈ છે.