જૂનાગઢનાં ખરાબ રસ્તા ચોમાસામાં આફતરૂપ બનશે...!

શહેરનાં 60 કિ.મી.થી વધારે વિસ્તારના રસ્તાના કામો અધુરા- વરસાદ થતાજ રસ્તાઓની હાલત બેટ જેવી થવાનો ભય- તત્કાલ કાર્યવાહીની માંગ

જૂનાગઢનાં ખરાબ રસ્તા ચોમાસામાં આફતરૂપ બનશે...!

જૂનાગઢ તા. 18
ચોમાસુ નજીક આવી પહોંચ્યું છે અને ગમે ત્યારે વરસાદનું આગમન થશે. ચોમાસાનાં દિવસોમાં જૂનાગઢની હાલત આ વર્ષે ભયંકર ખરાબ થશે. મનપાનાં વિરોધ પક્ષના નેતા લલીત પણસારાએ વ્યકત કરેલ છે અને મનપા દ્વરા અધુરા રસ્તાની કામગીરી પુર્ણ નહીં કરવામાં આવે તો ઠેર-ઠેર બેટ જેવી હાલત, રસ્તા ઉપર ચોમાસામાં નદી વહેવા લાગે તેમજ રસ્તાઓના ખાડામાં પાણી ભરાવવા, રસ્તા લપસણા થવાના કારણે અકસ્માતનો પણ ખતરો રહેલો છે. ત્યારે સમયસર કામગીરી કરવાની ખાસ જરૂર છે. વિપક્ષ દ્વારા અગાઉ પણ મનપાના કમિશ્નરને એક લેખિત પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી હતી જેમાં પાણીની પાઈપલાઈન, ભુગર્ભ ગટરની સફાઈ, અધુરા રસ્તા, વોકળાની સફાઈ કરવા રજુઆત કરવામાં આવી હતી. મોટાભાગની કામગીરી હજુ બાકી રહી છે. દરમ્યાન ચોમાસામાં ખરાબ રસ્તા જૂનાગઢ માટે આફત અને મુસીબત ઉભી કરશે તેવી ચિંતા વ્યકત કરવામાં આવી છે.
જૂનાગઢ શહેરમાં મોટાભાગનાં વિસ્તારોમાં રસ્તાનાં કામો અધુરા હોવાનાં કારણે રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે અને ખરાબ રસ્તાને કારણે ચોમાસામાં લોકોને ભારે મુશ્કેલજનક  પરિસ્થિતીનો સામનો કરવો પડશે તેવો ભય સેવવામાં આવી રહયો છે. જૂનાગઢનાં જવાહર રોડ, સ્વામિ મંદિર સુધીના રસ્તા બનાવવાની કામગીરી અંતર્ગત  એક લેયર થઈ છે જેનાં કારણે વરસાદ આવતાજ રસ્તાની હાલત ખરાબ થશે. આ ઉપરાંત સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો, હુસેની બિલ્ડીંગથી મજેવડી દરવાજા સુધીના રસ્તાની કામગીરીમાં સીંગલ લહેર કરવામાં આવી છે. બીજી લહેર બાકી હોવાના કારણે આ રસ્તા ઉપર પણ પાણી ભરાશે. આ ઉપરાંત કોર્પોરેશનથી કાળવા ચોક સુધીનો રસ્તો ખોદેલો અને માથે ફકત ટાંચોડો નાખી દીધો છે, દોલતપરા ગેટથી જીઆઈડીસી ગેટ સુધીનો માર્ગ ખોદેલો અને રસ્તાની કામગીરી અધુરી હોવાને કારણે અકસ્માતનો સતત ખતરો રહેલો છે. આ ઉપરાંત પટેલ સમાજથી ઓઘડનગર, ઝાંઝરડા બાયપાસ સુધીના બે કિ.મી. માર્ગમાં એકજ  લહેર થઈ છે જેના કારણે ચોમાસાનાં વરસાદને પગલે આ રસ્તાની હાલત પણ ખરાબ થશે. ખોદેલા રસ્તાના કામોમાં મેટલની કામગીરી થઈ ન હોવાનાં કારણે પણ અનેક સ્થળોએ તકલીફ થશે. જયારે અક્ષરવાડીથી મોતીબાગ સુધીનાં રસ્તાને ખોદીને સાઈડનો રસ્તો એમજ છોડી દેવામાં આવતા ટ્રાફીકથી ધમધમતા આ માર્ગ ઉપર ચોમાસામાં ખુબજ ખરાબ હાલત સર્જાવાની છે.  વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ જણાવેલ છે કે, શહેરમાં સોસાયટી અને મુખ્ય માર્ગને જાેડતા અનેક રસ્તાનાં કામો અધુરા છે. 50 થી 60 કિલોમીટરથી વધારે વિસ્તારમાં રસ્તાનાં અધુરા કામોને પગલે જૂનાગઢમાં ખુબજ ખરાબ સ્થિતી સર્જાવાનો ભય વ્યકત કરેલ છે અને વહેલી તકે અધુરી કામગીરી પુરી કરવા માટેની રજુઆત સાથે માંગણી કરેલ છે.