જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા પટેલ કેળવણી મંડળનાં ચાલતા વિવાદનો સુખદ અંત : વાલીઓનું આંદોલન સમેટાયું

જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા પટેલ કેળવણી મંડળનાં ચાલતા વિવાદનો સુખદ અંત : વાલીઓનું આંદોલન સમેટાયું

જૂનાગઢ તા. ૧
જૂનાગઢ શહેરનાં મોતીબાગ વિસ્તારમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા પટેલ કેળવણી મંડળનાં છેલ્લા કેટલાક દિવસો થયા ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. અગ્રણીઓની સમજાવટ અને આગેવાનો સાથેની બેઠક બાદ આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.
છેલ્લા કેટલાક દિવસો થયા પટેલ કેળવણી મંડળ વિવાદનાં કેન્દ્રમાં રહી હતી. મેનેજીંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુનાં રાજીનામાની માંગણી સાથે વાલીઓ છેલ્લા કેટલાક દિવસોથી ઉપવાસ ઉપર ઉતર્યા હતાં. આ મામલો વધુ વણસે નહી તે માટે સામાજીક અને રાજકીય આગેવાનોએ મધ્યસ્થી કરી હતી. ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાનાં પ્રમુખ નિલેશ ધુલેસીયા અને જૂનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડીયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈ અને વાલીઓની વ્યથા સાંભળી હતી. ત્યારબાદ ગઈકાલે મંગળવારે પટેલ કેળવણી મંડળ ખાતે એક નિર્ણાયક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હાલના તબકે મેનેજીંગ ટ્રસ્ટી કાંતિ ફળદુ રાજીનામુ આપશે નહી. જાે કે વાલીઓએ જે પ્રશ્નો અને ફરીયાદો રજુ કરી છે તેનાં સમાજનાં આગેવાનો દ્વારા ટ્રસ્ટી મંડળ સુધી પહોંચાડી દેવામાં આવી છે. આગેવાનોની સમજાવટ બાદ હાલ વાલીઓએ આંદોલન સમેટી લીધુ છે. આ સમગ્ર વિવાદનો અંતિમ ફેસલો આગામી સમયમાં મળનારી ટ્રસ્ટની જનરલ મીટીંગમાં લેવામાં આવશે. દરમ્યાન જૂનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે સમાજનાં વિશાળ હિતમાં અને દિકરીઓને ધ્યાનમાં રાખીને દિકરીઓની આ સંસ્થાનું હિત જળવાઈ રહે તે માટેનાં સૌના સહીયારા પ્રયાસોની જરૂર છે. અને આ હીતને ધ્યાનમાં રાખીને વાલીઓએ પોતાની માંગ જતી કરતા હાલ સંસ્થાનાં વિવાદનો અંત આવ્યો છે તેમ જણાવ્યું હતું.