કમિશ્નર પ્રભવ જોષી દ્વારા નિર્માણધીન અત્યાધુનિક ગૌશાળા તથા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની મુલાકાત

ઉનાળાની ગરમીમાં પશુઓ માટે લીલો-સૂકો ચારો, પાણી અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના આપતા કમિશ્નર

કમિશ્નર પ્રભવ જોષી દ્વારા નિર્માણધીન અત્યાધુનિક ગૌશાળા તથા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની મુલાકાત

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.30
જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશ્નર પ્રભવ જોષી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ઢોર ડબ્બા, નિર્માણધીન આધુનિક ગૌશાળાઓ તેમજ એનિમલ શેલ્ટર હોમની રૂબરૂ મુલાકાત લઈને પકડાયેલા ગૌવંશ અને અન્ય પ્રાણીઓની સુખાકારી તેમજ જાળવણી અંગેની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કમિશ્નરએ આ આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન જૂના બાયપાસ પર ખામધ્રોળ ચોકડી પાસે ટોરેન્ટ ગેસની બાજુમાં આવેલા ટોરેન્ટ ડેલા તેમજ સુખનાથ ચોક ખાતે ફિલ્ટર પ્લાન્ટની સામે આવેલા સાવજના ડેલાની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે ત્રિમંદિર અને મન વૃધ્ધાશ્રમની સામે નવી બનેલ ગૌશાળા, ઝાંઝરડા રોડ પર કાયાકલ્પ હોસ્પિટલની પાછળ બની રહેલી નવી અત્યાધુનિક ગૌશાળા તેમજ હાલ નિર્માણ હેઠળના એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર અને ડોગ શેલ્ટર હોમની પણ રૂબરૂ મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમ્યાન કમિશ્નર પ્રભવ જોષી દ્વારા પશુઓની સુખાકારી માટે અધિકારીઓને સ્થળ પર જ અત્યંત મહત્વના અને કડક સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગૌવંશ માટે આપવામાં આવતા આહારમાં કોઈ બાંધછોડ કર્યા વિના નિયમિતપણે ગુણવત્તાયુક્ત લીલો ચારો તેમજ સૂકો ચારો પૂરતા પ્રમાણમાં આપવો જરૂરી છે. વધુમાં, હાલની કાળઝાળ ગરમીની ઋતુને ધ્યાને રાખીને તમામ પ્રાણીઓને પીવાનું પૂરતું અને શુદ્ધ પાણી મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા તેમજ બીમાર કે ઇજાગ્રસ્ત પશુઓની તાત્કાલિક સારવાર માટે જરૂરી મેડિકલ સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. શહેરમાંથી પકડવામાં આવતા ગૌવંશને આશ્રય આપવા માટે કાયાકલ્પ હોસ્પિટલની પાછળ બની રહેલી આધુનિક ગૌશાળાના બાંધકામની પ્રગતિ નિહાળીને કમિશ્નરએ આ નવનિમિર્ત પ્રોજેક્ટની કામગીરી ઝડપથી અને ગુણવત્તાસભર પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતા.