માર્ગો પર પશુઓથી થતા અકસ્માતના કેસમાં વળતર આપવામાં આવે : સુપ્રિમ કોર્ટ

માર્ગો પર પશુઓથી થતા અકસ્માતના કેસમાં વળતર આપવામાં આવે : સુપ્રિમ કોર્ટ

(એજન્સી)       નવી દિલ્હી તા.૧:
સુપ્રીમ કોર્ટે રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે થતા અકસ્માતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું- પશુઓને નેશનલ હાઈવે, રસ્તાઓ અને ગલીઓમાં આમ જ છોડી શકાય નહીં. તેઓ નેચરલ સ્પીડ બ્રેકર નથી.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે શુક્રવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આવા અકસ્માતોના પીડિતોને વળતર આપવા માટે નિયમ બનાવવાનું કહ્યું. સાથે જ સૂચન કર્યું કે જો જરૂર હોય તો તેનાં માટે કાયદાઓ અને નિયમોમાં સુધારો પણ કરવામાં આવે.
કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ સલાહ પંજાબના સંગરુરની રહેવાસી નિશાની અરજી પર આપી હતી. નિશાના પતિ વિજયનું ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ રસ્તા પર ચાલતા સમયે રખડતા આખલાના હુમલામાં મૃત્યુ થયું હતું.
કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો કે મહિલાને ચાર અઠવાડિયામાં ૧૫ લાખ વળતર આપે. સાથે જ કોર્ટે કહ્યું- જોકે, તેને ભવિષ્યના કેસોમાં દાખલો માનવામાં આવશે નહીં.