અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢ જીલ્લામાં વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા 250 યુનિટ રકત એકત્ર કરાયું
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.17
અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના વિવિધ ધામિર્ક સંસ્થાઓ દ્વારા સેવાભાવને પ્રાધાન્ય આપતા રક્તદાન કેમ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મ સાથે માનવસેવાનો સુંદર સમન્વય સાધી સમાજને રક્તદાન જેવા મહાદાન માટે પ્રેરિત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો. આ રક્તદાન અભિયાનમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, કાળવા ચોક દ્વારા 104, શ્રી દેવારામ બાપા આશ્રમ, ભેડા પીપળીયા દ્વારા 96, સંત શ્રી દેવતનખી ધામ, મજેવડી દ્વારા 19, શ્રી સેવાદાસ બાપા આશ્રમ, તોરણીયા દ્વારા 35 તેમજ શ્રી નાગબાઈ અને ગાત્રાડ આઈ મંદિર, મોનિયા દ્વારા 5 એમ કુલ 250 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ રક્ત GMERS જનરલ હોસ્પિટલ, જૂનાગઢના બ્લડ સેન્ટરમાં જમા કરવામાં આવ્યું છે. આ રક્તનો ઉપયોગ થેલેસેમિયાથી પીડિત બાળકો, ગર્ભવતી મહિલાઓ, અકસ્માતગ્રસ્ત દર્દીઓ તેમજ કેન્સરના દર્દીઓ જેવા જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવા માટે કરવામાં આવશે. આવા ધામિર્ક પ્રસંગોને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડવાથી સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ અને સકારાત્મક અભિગમ વિકસે છે. ઘણી વખત લોકો પોતાના સગાં-સંબંધીઓ માટે પણ ભય કે ગેરસમજને કારણે રક્તદાન કરવામાં ખચકાટ અનુભવતા હોય છે. આવા સામૂહિક રક્તદાન કેમ્પો લોકોમાં રહેલી આ માનસિકતા દૂર કરીને નિ:સ્વાર્થ સેવાભાવ અને નિયમિત રક્તદાન માટે પ્રેરણા આપે છે. અન્ય ધામિર્ક અને સામાજિક સંસ્થાઓ માટે પણ આ એક પ્રેરણાદાયી પહેલ બની છે.
આ સેવાકીય કાર્યમાં સહભાગી બનેલી તમામ ધામિર્ક સંસ્થાઓ, રક્તદાતાઓ, સ્વયંસેવકો તથા આયોજકોનો GMERS જનરલ હોસ્પિટલ, જૂનાગઢના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, બ્લડ સેન્ટરના ઇન્ચાર્જ તથા સમગ્ર હોસ્પિટલ પરિવાર દ્વારા હાદિર્ક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


