જૂનાગઢ શહેરમાં છેલ્લા ૧પ વર્ષથી ઓળખ છુપાવીને રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ
જૂનાગઢ તા.૧૩
જૂનાગઢમાં છેલ્લા ૧પ વર્ષથી ઓળખ છુપાવી રહેતી બાંગ્લાદેશી મહિલાને પોલીસે પકડી નજરકેદ કરી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ. બી. ચૌધરી અને તેની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી.
આ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે જોષીપરા વિસ્તારમાંથી એક શંકાસ્પદ મહિલા મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ પોતાનું નામ આયશાબેન સુબાનભાઈ શેખ (રહે. ગુજરાત હાઉસિંગ કોલોની, રામનાથ મંદિર પાસે,જૂનાગઢ) જણાવ્યું હતું. જોકે, તેની પાસે ભારતીય નાગરિક હોવા અંગેનો કોઈ પણ પુરાવો મળી આવ્યો નહોતો. પોલીસની કડક પૂછપરછ દરમ્યાન મહિલા ભાંગી પડી હતી અને પોતે બાંગ્લાદેશી હોવાની કબૂલાત કરી હતી. તેના રહેઠાણની તલાશી લેતા પોલીસને ત્યાંથી તેનો અસલી બાંગ્લાદેશી પાસપોર્ટ મળી આવ્યો હતો.
પાસપોર્ટ મુજબ તેનું સાચું નામ મોસમ્મદ શહનારા બેગમ (પુત્રી: અયુબઅલી સરદાર), (રહે. તુલશીદંગા-૦૧, ક્લારોઆ સ્તખીરા બાંગ્લાદેશ) હોવાનું ખુલ્યું હતું. તપાસમાં મહિલા છેલ્લા ૧પ વર્ષથી જુનાગઢના અલગ-અલગ વિસ્તારોમાં ભાડે રહીને પોતાની ઓળખ છુપાવતી હતી. તેની પાસે ભારતનું નાગરિકત્વ હોવાના કોઈ દસ્તાવેજ નથી. હાલ પોલીસે આ મહિલાને નજરકેદ હેઠળ રાખી તેને નિયમ અનુસાર ડિપોર્ટ કરવામાં આવશે.


