વાડલા ફાટક નજીક જાહેરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

વાડલા ફાટક નજીક જાહેરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

જૂનાગઢ તા.૧૩
જૂનાગઢ શહેરમાં વાડલા નજીક જાહેરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી લીધેલ છે. 
આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં પ્રોહિબીશન તેમજ જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના પીઆઈ કૃણાલ પટેલ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત ચાપતી નજર રાખી રહેલ છે. આ દરમ્યાન એવી બાતમી મળી હતી કે, વાડલા ફાટક રાધીકા રેસીડેન્સીમાં રહેતો ધવલ વૃંદાવનભાઈ મીઠીયા નામનો શખ્સ વાડલા ફાટક પાસે જાહેરમાં પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચની આઈડીઓ બનાવી આઈપીએલ-ર૦ર૬ ચેન્નાઈ સુપરકીંગ - દિલ્હી કેપીટલની ક્રિકેટ મેચ પર રન ફેરની હારજીત કરી હારજીતના નાણા પાછળથી હવાલા દ્વારા આપ-લે કરી અને ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડતો હોવાની બાતમીના આધારે આ શખ્સને ઝડપી લેવામાં આવેલ હતો. રૂા.પ૦૦ રોકડા તેમજ બે મોબાઈલ મળી ૪૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે. દરમ્યાન હાજર નહીં મળી આવેલ અન્ય કુલ-૬ શખ્સો વિરૂધ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે.