સુરેન્દ્રનગર જીલ્લામાં લખતર-વિરમગામ હાઈ-વે પર બનેલી કંપાવનારી ઘટના

પદયાત્રી સંઘને ટ્રકે હડફેટે લેતા ૭ યાત્રાળુઓના કરૂણ મોત

સુરેન્દ્રનગર જીલ્લામાં લખતર-વિરમગામ હાઈ-વે પર બનેલી કંપાવનારી ઘટના

વઢવાણ તા.૧૩: 
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક કાળજું કંપાવી દેતી દુર્ઘટના બની છે. લખતરના ભાસ્કરપરા ગામના સીમાડે હાઈવે પર બેફામ ગતિએ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને કચડી નાખતા કુલ ૭ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અંદાજે ૪થી વધુ પદયાત્રીઓ ઘાયલ થયા છે. ઘટનાના પગલે દસાડા લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની ઘટના સ્થળે પહોંચ્યા છે. ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી લેવામાં આવી છે.
સંઘ લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રી રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા. આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ ૭ લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
આ ઘટનામાં રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ લખતરના છારદ ગામ પાસેથી નાઈટ હોલ્ડ માટે જઈ રહ્યો હતો, ત્યારે મધ્ય રાત્રે રસ્તામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો, ત્યારે એનાથી સાઈડમાં આવીને આગળ જઈ રહેલા લોકો પર પાછળથી આવતી ટ્રક ફરી વળતા છ પદયાત્રીઓ અને રસ્તામાં ટ્રકનું ટાયર બદલી રહેલા યુવાન પર બેકાબુ ટ્રક ફરી વળતા કુલ સાત લોકોના મોત નીપજ્યા હતા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યા છે. અને અકસ્માત સર્જનારા ટ્રક ચાલક આદિત્ય રમેશભાઈ ગોકનીયાને પકડી લેવામાં આવ્યો છે, જે લખતર તાલુકાના ઝામર ગામનો જ છે અકસ્માત સર્જનાર ટ્રક રાજકોટથી લખતર તરફ આવી રહી હતી.