પ્રોહિબીશનના ગુન્હાના નાસતા ફરતા આરોપીને છરી સાથે ઝડપી પાડતી કુતિયાણા પોલીસની સર્વેલન્સ ટીમ

કેશોદના પ્રોહિબીશન ગુનામાં ફરાર આરોપી બલેનો કાર સાથે ઝડપાયો, પોલીસે કારમાંથી છરી પણ કબ્જે લીધી, એક ડઝનથી વધુ ગુન્હા તેની સામે નોંધાયાનું બહાર આવ્યું

પ્રોહિબીશનના ગુન્હાના નાસતા ફરતા આરોપીને છરી સાથે ઝડપી પાડતી કુતિયાણા પોલીસની સર્વેલન્સ ટીમ

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.21
જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને કુતિયાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી બલેનો કાર સાથે એક છરી પણ મળી આવતા તેના વિરૂધ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તા.16/05/2026 થી તા.30/05/2026 સુધી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઈવ ચાલી રહી છે. તે અંતર્ગત રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. વાળા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે કેશોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપી વિજય મગનભાઈ વિંઝુડા રહે. ઇશ્વરીયા ગામ, તા. કુતિયાણા પોતાના ઘરે આવ્યો છે. પોલીસ તેની તપાસ માટે ઇશ્વરીયા ગામે પહોંચી હતી. ત્યારે આરોપી પોતાની બલેનો કાર લઈને ઇશ્વરીયા ગામની પ્રાથમિક શાળા પાસે રોડ પરથી નીકળ્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા તેણે પોલીસને કાર ચડાવી દેવાના ઇરાદે વાહન દોડાવી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 109(1), 132 મુજબ ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
ત્યારબાદ ખાનગી બાતમીના આધારે આરોપી હામદપરાથી ગોકરણ તરફ જતો હોવાની માહિતી મળતા પોલીસે તળાવની પાળ પાસે વોચ ગોઠવી તેને બલેનો કાર સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા અંદરથી એક છરી મળી આવી હતી. જેના આધારે હથિયાર સંબંધિત જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરૂધ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 121(1), 262 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ કેશોદ પોલીસ સ્ટેશનના ગુનામાં આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસને જાણ કરવામાં આવી છે. આરોપી વિજય મગનભાઈ વિંઝુડા ઉ.વ.29 રહે. ઇશ્વરીયા ગામ, તા. કુતિયાણા સામે અગાઉ લૂંટ, મારામારી, ધમકી, પ્રોહિબીશન અને જાહેરનામા ભંગ સહિતના એક ડઝનથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.