જૂનાગઢની સુરક્ષા અંગે ધારાસભ્ય સંજય કોરડીયાની સક્રિય ચિંતા રંગ લાવી ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ ફેઝ-૨માં વધુ સીસીટીવી કેમેરાથી શહેર-જિલ્લાની સુરક્ષા મજબૂત બનશે 

વિધાનસભામાં ધારાસભ્ય સંજય કોરડીયાએ ઉઠાવ્યો જુનાગઢની કાયદો-વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષાનો મહત્વપૂર્ણ પ્રશ્ન કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ આપ્યો જવાબ : જૂનાગઢ જિલ્લામાં ફેઝ-૨ હેઠળ ૪૫૨ સીસીટીવી કેમેરા કાર્યરત

જૂનાગઢની સુરક્ષા અંગે ધારાસભ્ય સંજય કોરડીયાની સક્રિય ચિંતા રંગ લાવી ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ ફેઝ-૨માં વધુ સીસીટીવી કેમેરાથી શહેર-જિલ્લાની સુરક્ષા મજબૂત બનશે 

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૧
જૂનાગઢ શહેર અને જિલ્લાના નાગરિકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ ગુના નિવારણને વધુ અસરકારક બનાવવા માટે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ ગુજરાત વિધાનસભાના ગૃહમાં મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવી સરકારનું ધ્યાન દોર્યું છે. નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા ધારાસભ્ય સંજય કોરડીયાએ ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ ફેઝ-૨ હેઠળ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સીસીટીવી કેમેરાના નેટવર્કના વિસ્તરણ અંગે સરકાર પાસેથી સ્પષ્ટ માહિતી માંગી હતી. વિધાનસભા સત્રના બીજા દિવસે ધારાસભ્ય સંજય કોરડીયાએ તા. ૩૧/૦૭/૨૦૨૬ની સ્થિતિએ ‘વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨’ અંતર્ગત જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સીસીટીવી કેમેરાનો વ્યાપ વધારવા સરકાર દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું છે કે કેમ તેમજ હાલ કેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે VISWAS (Video Integration and State -wide Advan ced Security) પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા આધુનિક સીસીટીવી કેમેરા નેટવર્કનો વ્યાપ વધારવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ ફેઝ-૨ હેઠળ જૂનાગઢ જિલ્લામાં કુલ ૪૫૨ અને અમરેલી જિલ્લામાં કુલ ૩૧૬ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ આધુનિક સર્વેલન્સ નેટવર્ક દ્વારા મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો તેમજ જાહેર સ્થળોને આવરી લેવામાં આવ્યા છે. આ તમામ કેમેરાનું લાઇવ સિંક્રોનાઇઝેશન જિલ્લા કક્ષાના ‘નેત્રમ’(NETRAM) તથા રાજ્ય કક્ષાના ‘ત્રિનેત્ર’(TRINETRA) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે કરવામાં આવ્યું છે. જેના પરિણામે ટ્રાફિક મોનિટરિંગ, વાહનોનું ટ્રેકિંગ, ગુના નિવારણ તેમજ જાહેર સુરક્ષાની વ્યવસ્થા વધુ અસરકારક બનશે. ધારાસભ્ય સંજય કોરડીયાએ જૂનાગઢના નાગરિકોની સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવતા આ મહત્વપૂર્ણ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવીને જૂનાગઢ પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને જવાબદારીપૂર્ણ અભિગમનું વધુ એક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ગુનાખોરી અટકાવવા, અસામાજિક તત્વો પર નજર રાખવા અને નાગરિકોને વધુ સુરક્ષિત વાતાવરણ મળે તે માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે દિશામાં ધારાસભ્ય દ્વારા સતત રજૂઆત કરવામાં આવી રહી છે. ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ હેઠળ વધારવામાં આવેલું આ કેમેરા નેટવર્ક જૂનાગઢની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની સાથે ‘સુરક્ષિત જૂનાગઢ’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.