જૂનાગઢ જીલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકાની આવતીકાલે ચુંટણી : ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠકો, ૯ તાલુકા પંચાયતની ૧પ૮ અને કેશોદ નગરપાલિકાની ૩૬ બેઠકો માટે આવતીકાલે બળાબળનાં પારખા

જૂનાગઢ જીલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકાની આવતીકાલે ચુંટણી : ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢ તા. રપ
જૂનાગઢ સહીત રાજયભરમાં સ્થાનીક સ્વરાજયની આવતીકાલે યોજાનારી ચુંટણી સંગ્રામને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. બીજી તરફ ચુંટણી દરમ્યાન શાંતિપૂર્ણ માહોલ બની રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦, ૯ તાલુકા પંચાયતની ૧પ૮ અને કેશોદ નગરપાલિકાની ૩૬ બેઠકો માટે આવતીકાલે તા. ર૬ એપ્રીલનાં રોજ મતદાન યોજાશે અને જેને લઈને અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. 
સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈને જૂનાગઢ જીલ્લામાં પણ રાજકીય પક્ષો દ્વારા ચુંટણીલક્ષી તૈયારીઓને છેલ્લી ઘડીનાં પ્રયાસો તરીકે પોતાનાં પક્ષના ઉમેદવારની જીત થાય તે માટેનાં આજે ભરપુર પ્રયાસો કરવામાં આવી રહયા છે. આવતીકાલ તા. ર૬ એપ્રીલનાં રોજ સવારનાં ૭ થી સાંજનાં ૬ વાગ્યા સુધી મતદાન થવાનું છે. આ સાથે જ સ્થાનિક સ્વરાજયની ચુંટણી અંતિમ ચરણમાં પ્રવેશી ગઈ છે. આવતીકાલે ચુંટણીનો દિવસ છે. સાથે જ જૂનાગઢ સહીત મોટાભાગનાં શહેરોમાં અને વિવિધ વિસ્તારોમાં એક તરફ ભારે ગરમી, લગ્નગાળાની અસર આ ચુંટણી પર પડે તેવી ચિંતા સેવાઈ રહી છે. ચુંટણી ઉપર ખાસ કરીને વ્યકિતગત જે ઉમેદવારનું પાસુ સબળ હશે તેઓની ફેવરમાં મતદારોનો પ્રવાહ રહેશે તેવું મનાય છે. 
જૂનાગઢ જીલ્લા પંચાયતમાં અને વિવિધ તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન રહયું હતું. આ પાંચ વર્ષ દરમ્યાનની કામગીરીનો જવાબ પણ મતદારો આવતીકાલે ચુંટણી દરમ્યાન આપશે. ભાજપ ફરી એકવાર શાસન કબ્જે કરવા માટેનાં ભરપુર પ્રયાસો કરે છે. જયારે બીજી તરફ અન્ય રાજકીય પક્ષો શાસન કબ્જે કરવા એડીચોટીનું જાેર લગાવી રહયા છે. 
દરમ્યાન આવતીકાલે યોજાનારી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચુંટણી દરમ્યાન કોઈપણ જાતનાં અનિચ્છનીય બનાવ નહી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચુંટણી યોજાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે ૧૦૧૧ બુથ પર મતદાન થશે જેમાં ૧ર૭ અતિ સંવેદનશીલ, અને ૩૮૪ સંવેદનશીલ બુથ પર ચાંપતો બંદોબસ્ત રહેશે. જેમાં જૂનાગઢ જીલ્લામાં જૂનાગઢ અને કેશોદ બે એસપી, વિસાવદર એએસપી, ૪ ડીવાયએસપી, ર૦ પીઆઈ, ૪૩ પીએસઆઈ, ૧૦૮૪ પોલીસ જવાનો, ૧૧૯ ટ્રેની એલઆરડી, ૧૮ર હોમગાર્ડ, ૧ર૦૦ જીઆરડી જવાનો તથા એસઆરપીની બે પ્લાટુન તૈનાત રહેશે. તેમજ સુરક્ષા સજજડ બનાવવા બોડીવન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે. રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ જીલ્લાભરમાં ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવાયો છે.