જૂનાગઢ શહેરમાં રસ્તાના ચાલતા કામો નવરાત્રી, દિવાળી પહેલા પૂર્ણ કરવા માંગણી
સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખ વાજા દ્વારા કમિશ્નરને પત્ર દ્વારા રજૂઆત
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩
જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ મનપાના કમિશ્નરને એક પત્ર પાઠવી અને જૂનાગઢ શહેરના રસ્તાના કામોને નવરાત્રી અને દિવાળી પહેલા સત્વરે પુરા કરવાની રજૂઆત અને માંગણી કરવામાં આવી છે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે, જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે ગાંધીચોક, જવાહર રોડ, ગિરનાર દરવાજાથી ગોધાવાવની પાટી, લોઢીયાવાડી, જોષીપરા, ઝાંઝરડા રોડ વગેરે જૂનાગઢ સીટીના રસ્તાઓ તેમજ મહાનગરપાલિકા હેઠળ આવતા અન્ય મુખ્ય માર્ગો પર કામગીરી ચાલુ હોવાના કારણે રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં નવરાત્રી અને ત્યાર બાદ દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. જૂનાગઢ પ્રવાસન અને યાત્રાધામ હોવાના કારણે બહારગામથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ દર્શનાર્થે તેમજ ભ્રમણ અર્થે આવે છે. આવા સમયે રસ્તાઓ બંધ હોવાથી સ્થાનિક પ્રજાજનો અને વેપારીઓને રોજીંદા કામકાજમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. બહારથી આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને રસ્તાઓની જાણકારીના ન હોવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. તહેવારો દરમ્યાન લોકોને પડતી પરેશાની દૂર થાય તથા પ્રવાસીઓ અને સ્થાનિક વેપાર-ધંધાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ રસ્તાના કામોમાં મજૂરો અને સાધનોની સંખ્યા વધારીને કામગીરી સત્વરે અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે.
તહેવારો અને પ્રવાસીઓની અવરજવરને ધ્યાને રાખી આ રસ્તાઓ વહેલીતકે વહેલી તકે ખુલ્લા મૂકવામાં આવે. કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી યોગ્ય સાઇનબોર્ડ અને વૈકલ્પિક રસ્તાની સ્પષ્ટ વ્યવસ્થા કરવામાં આવે તેવી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખ વાજાએ કમિશ્નરને રજૂઆત કરી છે.


