દેશમાં જાહેર પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે વધુ 7 બુલેટ ટ્રેન પ્રોજેકટને મંજુરી
નવી દિલ્હી,તા.22:
ભારતમાં જાહેર પરિવહન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવવાના હેતુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત વધુ 7 નવા રૂટને લીલી ઝંડી આપી દીધી છે. હાલમાં મુંબઈ-અમદાવાદ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરકારે દેશનાં મોટાં આર્થિક, ઔદ્યોગિક, ટેક્રોલોજિકલ અને પ્રવાસન હબ્સને સાંકળવા માટે આ દીર્ઘકાલીન નેશનલ વિઝન તૈયાર કર્યું છે. આ પ્રસ્તાવિત યોજના હેઠળ દેશનાં પ્રખ્યાત શહેરો વચ્ચે હાઈ-સ્પીડ ટ્રેનો દોડાવવામાં આવશે. એમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેન્ગલોર, હૈદરાબાદ-ચેન્નઈ, ચેન્નઈ-બેન્ગલોર, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી રૂટનો સમાવેશ થાય છે.
અહેવાલ અનુસાર આ પ્રસ્તાવિત હાઈ-સ્પીડ રેલ (HSR) નેટવર્ક માટે હજી બાંધકામની કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર થઈ નથી; પરંતુ ટૂંક સમયમાં જ દરેક કોરિડોર માટે ફીઝિબિલિટી સ્ટડી, જમીન-સંપાદન, મંજૂરીઓ અને ફન્ડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નવી લાઇનો શરૂ થવાથી બે મોટાં શહેરો વચ્ચેનું અંતર કલાકોને બદલે મિનિટોમાં સીમિત થઈ જશે. આ મહત્ત્વાકાંક્ષી HSR પ્રોજેક્ટ આગામી સમયમાં દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે અને કરોડો પ્રવાસીઓનો કીમતી સમય બચાવશે.


