નોબલ યુનિવસિર્ટી અને ક્લિન અપ ઇન્ડિયાના સંયુક્ત પ્રયાસોથી ૧૦૦થી વધુ સ્વયંસેવકોએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૧
જૂનાગઢ, તાજેતરમાં વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી, નાગરિક ફરજ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી નોબલ યુનિવસિર્ટી, જૂનાગઢ દ્વારા ગિરનાર, ભવનાથ સ્થિત નારાયણ ધરો અને ઓસમ ડુંગર, પાટણવાવ ખાતે સ્વચ્છતા અભિયાનો યોજવામાં આવ્યાં હતાં. ક્લિન અપ ઇન્ડિયાના સહયોગથી MBA સેમેસ્ટર-૩ના વિદ્યાર્થીઓએ મલ્ટી-ડિસિપ્લિનરી એક્શન પ્રોજેક્ટ (MAP) અંતર્ગત આ પહેલમાં ભાગ લીધો હતો. જ્યારે તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ઓસમ ડુંગર ખાતે નોબલ યુનિવસિર્ટીના NSS યુનિટ, ક્લિન અપ ઇન્ડિયા ટીમ અને ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા અભિયાનમાં ૧૦૦થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. આ અગાઉ ભવનાથ સ્થિત નારાયણ ધરો ખાતે ક્લિન અપ ઇન્ડિયાના ૩૦ સ્વયંસેવકોએ સફાઈ કામગીરી કરી હતી. ગિરનાર ખાતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી યોજાયેલા અભિયાનમાં પણ સ્વયંસેવકોએ રોપવે મારફતે ગિરનારની ટોચ સુધી પહોંચીને આસપાસનો કચરો એકત્રિત કર્યો હતો. આ પ્રવૃત્તિઓની શ્રેણીને આગળ વધારતાં ઓસમ ડુંગર ખાતે યોજાયેલા અભિયાનમાં સ્વયંસેવકોએ પ્લાસ્ટિક સહિતનો અન્ય કચરો એકત્રિત કરીને કુદરતી સ્થળોની સ્વચ્છતા જાળવવામાં યોગદાન આપ્યું હતું. આ અભિયાનોનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા કેળવવાની સાથે જાહેર અને પ્રવાસન સ્થળોની સ્વચ્છતા જાળવવા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. મલ્ટી-ડિસિપ્લિનરી એક્શન પ્રોજેક્ટ(MAP) અંતર્ગત યોજાયેલી આ પ્રવૃત્તિઓ દ્વારા MBA વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર સામાજિક જવાબદારી નિભાવવાનો વ્યવહારૂ અનુભવ મળ્યો હતો. સાથે જ, ટીમવર્ક, નેતૃત્વ, સહકાર અને નાગરિક ફરજ પ્રત્યેની સમજ વિકસાવવાની તક મળી હતી. આ પહેલ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે કુદરતી અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવી એ માત્ર તંત્રની જ નહીં, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. પ્રવાસન સ્થળોએ કચરો ન ફેંકવો, પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ ટાળવો અને આસપાસ સ્વચ્છતા જાળવવી જેવા નાના પ્રયાસો પર્યાવરણ સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. નોબલ યુનિવસિર્ટી દ્વારા વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક જ્ઞાનની સાથે સામાજિક સંવેદનશીલતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિકસે તે માટે આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પ્રશંસનીય પહેલ બદલ નોબલ યુનિવસિર્ટીના પ્રમુખ ડો. નિલેશભાઈ ધૂલેશિયા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા તથા કુલપતિ ડો. એચ.એન. ખેર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, તેમ યુનિવસિર્ટીના રજિસ્ટ્રાર અને ડીન ડો. જય તલાટીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.


