બિહારમાં નીતીશ યુગનો અંત હવે રાજયસભાના સાંસદ બનશે

બિહારમાં નીતીશ યુગનો અંત  હવે રાજયસભાના સાંસદ બનશે

(એજન્સી)          પટણા તા.૦૫ : 
હજુ ચાર માસ પુર્વે જ યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ૧૦મી વખત રાજયના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર જનતાદળ ના વડા નીતીશકુમારના ‘યુગ‘નો અંત આવી રહ્યો છે તેવા સંકેત છે. પટણા અને દિલ્હીમાંથી મળતા સંકેત મુજબ નીતીશકુમાર આજે બિહારમાંથી રાજયસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવશે.
તેઓની વિધિવત રીતે રાજયસભામાં બીનહરીફ વરણી બાદ તેઓ બિહારના મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપી ભાજપ માટે પ્રથમ વખત બિહારમાં મુખ્યમંત્રીનો માર્ગ મોકળો કરશે. બિહારમાંથી આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતીન નબીન પણ રાજયસભા માટે ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પટણા પહોંચ્યા છે અને તેમના માર્ગદર્શન હેઠળ જ ‘ઓપરેશન નીતીશ‘ પાર પાડશે તે નિશ્ચિત કરશે.
ગઈકાલ સાંજથીજ પટણામાં આ અંગે ગતિવિધિ શરૂ થઈ છે. વિધાનસભામાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યુ હતું પણ ચુંટણી સમયે આપેલા વચન મુજબ નીતીશકુમાર જ રાજયના મુખ્યમંત્રી તરીકે ફરી શાસન સંભાળ્યુ હતું પણ હવે ભાજપે રાજયસભા ચુંટણીની તક ઝડપી લીધી છે. નીતીશકુમારને કેન્દ્રીય મંત્રી બનાવીને બિહારમાં ભાજપના મુખ્યમંત્રી બની શકે છે.