ભાણવડમાં મગરનું દિલધડક રેસ્ક્યુ કર્યા બાદ બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૫
ભાણવડના નવાગામ રોડ પર આવેલા વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મગરના આંટાફેરાને કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે ફફડાટ હતો. જેના રેસ્ક્યુ આ ભયનો આખરે અંત આવ્યો હતો. સોમવારે રાત્રે જ્યારે સાત ફૂટ લાંબો આ મહાકાય મગર ખેતરમાં લટાર મારવા નીકળ્યો, ત્યારે સતર્ક થયેલા સ્થાનિકો વિજય ખીંટીએ તાત્કાલિક જાણીતા રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. જે અંગેની જાણ થતા 'એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ'ની ટીમ,ભાણવડ વનવિભાગના ટ્રેકર્સ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાત્રિના અંધકારમાં ભારે જહેમત બાદ કોઈ પણ જાનહાની વગર મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયો હતો. મગરના રેસ્ક્યુ બાદ આ મહાકાય મગરને તેના સુરક્ષિત અને પ્રાકૃતિક આવાસ બરડા ડુંગર વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યો છે. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બદલ વિસ્તારના રહીશોએ અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમ તેમજ વન વિભાગની ટીમની કામગીરીને બિરદાવી રાહતનો શ્વાસ લીધો હતો.


