મધ્યપૂર્વમાં પુન: યુધ્ધના વાદળો ઘેરાતા ક્રુડ તેલના ભાવમાં ભડકો

મધ્યપૂર્વમાં પુન: યુધ્ધના વાદળો ઘેરાતા ક્રુડ તેલના ભાવમાં ભડકો

વોશિંગ્ટન, તા.૨૦
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ મંત્રણામાં ફરી સંકટના વાદળો ઘેરાતા અને નવેસરથી જંગ છેડાવાના એંધાણને પગલે ક્રૂડતેલ ફરી સળગી ઉઠયું છે. ગત સપ્તાહમાં 90 ડોલરની નીચે ઉતરી ગયેલા ક્રૂડના ભાવ આજે ફરી 100 ડોલરના માર્ગે દોડ્યા હતા.
અમેરિકા-ઇરાન વચ્ચેના યુધ્ધની સમાપ્તિના સંજોગો ધૂંધળા બનતા ઘટનાક્રમોને પગલે માર્કેટમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. હોર્મુઝની નાકાબંધી જારી રાખીને અમેરિકાએ ઇરાનનું જહાજ જપ્ત કરતાં અને વળતા જવાબમાં ઇરાને વાટાઘાટોને બ્રેક મારી દેતા ફરી તનાવ અને યુધ્ધની સ્થિતિ સર્જાવાના ભણકારા વાગતા ક્રૂડતેલમાં સડસડાટ તેજી થઇ ગઇ હતી. પ્રારંભિક કામકાજમાં જ 6 ટકાનો ઉછાળો થયો છે.
આજે સવારે બ્રેન્ટ ક્રૂડ ઉંચકાઇને 95.42 ડોલર સાંપડ્યું હતું જે ઉંચામાં 96.49 ડોલર થયું હતું. ડબલ્યૂટીઆઇ ક્રૂડ 88.93 ડોલર હતું તે ઉંચામાં 90.38 ડોલર થયું હતું.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે શાંતિ મંત્રણા આગળ ન વધે અને યુધ્ધ થવાના સંજોગોમાં ફરી સપ્લાય ચેઇન ખોરવાઇ શકે છે. આ વખતે તો ઇરાને સજ્જડ પ્રતિબંધ મૂક્યો છે અને અમેરિકાની નાકાબંધી છે એટલે ગત વખત કરતાં પણ પુરવઠાને ગંભીર અસર થઇ શકે છે.