રાજકોટના ગઢકા ગામે ‘એક પેડ મા કે નામ ૩.૦’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યપાલn : ૧૭ જાતના ૮૫૦ રોપાઓનું વાવેતર કરાયું

ગ્લોબલ ર્વોમિંગના પડકાર સામે વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતીનું જતન જ શ્રેષ્ઠ ઉપાય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજકોટના ગઢકા ગામે ‘એક પેડ મા કે નામ ૩.૦’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યપાલn : ૧૭ જાતના ૮૫૦ રોપાઓનું વાવેતર કરાયું

(પ્રતિનિધી દ્વારા)
રાજકોટ તા.૧૦
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજકોટ તાલુકાના ગઢકા ગામે  ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રકૃતિના સંરક્ષણ અને માતૃવંદનાના અનોખા સમન્વય સાથે શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી જન અભિયાનના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ ગરિમાપૂર્ણ અવસરે રાજ્યપાલશ્રીના હસ્તે વિશેષરૂપે ‘બહેડા’ના રોપનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ તકે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર વિશ્વ સામે ગ્લોબલ ર્વોમિંગ સૌથી ગંભીર પ્રશ્ન છે. નેપાળ અને સ્પેન જેવા દેશોમાં કુદરતી આફતો અને અતિવૃષ્ટિના કારણે થયેલી ભયાનક તારાજીના ઉદાહરણો ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, ખેતરોમાં વાપરવામાં આવતા રાસાયણિક ખાતરો, યુરિયા, ડી.એ.પી. અને જંતુનાશક દવાઓ આપણી સમગ્ર પ્રકૃતિને બરબાદ કરી રહી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વૈશ્વિક સંકટમાંથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી છે. ભારતીય સંસ્કૃતિમાં પીપળાને પિતૃ સમાન, વડને દાદા અને તુલસીને માતા તરીકે પૂજવામાં આવે છે, જે આપણી પ્રકૃતિ પ્રત્યેની આદરભાવના દર્શાવે છે. રાજ્યપાલએ ઉપસ્થિત સૌ નાગરિકોને આહ્વાન કર્યું હતું કે, આપણા પરિવારમાં બાળકોના જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ જેવા કોઈપણ શુભ પ્રસંગો અને તહેવારો પર એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ અને પોતાના સ્વજનની જેમ તેનું જતન કરી ઉછેરવું જોઈએ.
આ તકે રાજ્યપાલએ વૃક્ષારોપણ કરનાર તમામ ગ્રામજનો, વિદ્યાથીઓ, વન વિભાગ અને વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, રાજકોટ તાલુકાના ગઢકા ગામે સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી યોજાયેલા આ અભિયાન હેઠળ પર્યાવરણની રક્ષા માટે કુલ ૧૭ જાતના અંદાજે ૮૫૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે વાવેતર કરાયેલ ‘બહેડા’ વૃક્ષનું આયુર્વેદમાં અત્યંત મહત્ત્વ છે. હરડે, બહેડું અને આમળાથી બનતા ‘ત્રિફળા’ના મુખ્ય ઘટક તરીકે બહેડું શરદી, ખાંસી, પાચનક્રિયા સુધારવા તેમજ વાળના સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધિ છે. આ અવસરે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, આસિસ્ટન્ટ કલેકટર ટીના કલ્યાણ, ડી.સી.એફ. યુવરાજસિંહ ઝાલા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ-અગ્રણીઓ તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ- શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.