વેચાશે નહીં તેવા લોકોને સનાતન સંરક્ષક સમીતીમાં લેવાશે : મહેશગીરી બાપુ

વેચાશે નહીં તેવા લોકોને સનાતન સંરક્ષક સમીતીમાં લેવાશે : મહેશગીરી બાપુ

જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ શહેરમાં ગઈકાલે ગીરનાર બચાવો અભિયાન અંતર્ગત એક મહારેલીનો કાર્યક્રમ સફળ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો. અને ૬૦ મુદાનાં પ્રશ્નો સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દરમ્યાન ગઈકાલે રેલી નીકળે તે પહેલા સંતોની ઉપસ્થિતિમાં વિશાળ જનસમુદાય ઉમટી પડયો હતો. આ ઉપસ્થિત લોકોને સંતો દ્વારા અને આગેવાનો દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવેલ હતું. આ તકે સનાતની અને ધર્મ પ્રત્યે સતત જાગૃત રહેલા તેમજ ભવનાથ અને ગીરનાર ક્ષેત્રમાં જયારે પણ કોઈ આફત આવે છે કે કોઈ અઘટતી ઘટનાઓ બને છે ત્યારે સતત જાગૃતિ દાખવી અને ભાવિકોને પણ પુરતુ માર્ગદર્શન આપી સનાતન ધર્મની રક્ષા માટે કોઈપણની શેહશરમ રાખ્યા વિના મેદાને પડતા ભુતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી બાપુએ ગઈકાલે સભા સમયે જ સનાતની સંરક્ષક સમીતીની રચનાની જાહેરાત કરી હતી. અને સનાતની સંરક્ષક સમીતી એ ગીરનારનું રક્ષણ કરશે તેમજ સનાતન ધર્મની પણ રક્ષા કરશે. આ જાહેરાત સાથે જ મહેશગીરી બાપુએ બે સદસ્યોની વરણી પણ કરી હતી. સૌની સહમતી સાથે ભગવતીદાસ બાપુ તેમજ મહાદેવગીરી બાપુની સંરક્ષક સમીતીનાં સદસ્ય તરીકે નિમણુંક કરવામાં આવતાં તેમને ઉપસ્થિતિઓએ આવકારી હતી. આ તકે મહેશગીરી બાપુએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે સનાતન સંરક્ષક સમીતી કાયમી ધોરણે કાર્યરત રહેશે તેનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહેલ છે. એટલું જ નહીં આ સમીતીમાં વધુ સભ્યોને પણ નિમણુંક કરવાની બાકી છે. અને સૌ સાથે મળી અને નિમણુંક થશે. આ તકે તેમણે સ્પષ્ટ વાત એ પણ કરી હતી કે આ સમીતીમાં ટકશે અને વેચાશે નહી તેવા લોકોને સનાતની સંરક્ષક સમીતીમાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.