વેરાવળમાં આત્મહત્યા માટે રેલવે ટ્રેક પર પહોંચેલી યુવતીને બચાવી પરિવાર સાથે મિલન કરાવ્યું
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.૧૮
વેરાવળમાં ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં સમયસર હસ્તક્ષેપ કરી એક યુવતીનું અમૂલ્ય જીવન બચાવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, વેરાવળ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પાસે એક યુવતી નિ:સહાય હાલતમાં હોવાનું ધ્યાન જાગૃત નાગરિકને આવતા તાત્કાલિક ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ૧૮૧ ટીમના કાઉન્સેલર મનીષાબેન વઢવાણા, મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન નંદાણિયા તથા પાયલોટ રમેશભાઈ બામણિયા વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટીમ દ્વારા યુવતીનું શાંતિપૂર્ણ વાતાવરણમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે, પરિવારજનોએ મેળામાં જવાની ના પાડતાં તેણીને અત્યંત દુ:ખ લાગ્યું હતું.
આ મુદ્દે પરિવાર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી તેમજ પરિવારજનોએ માસીની દીકરીનો પક્ષ લીધો હોવાનું લાગતાં તેણી માનસિક રીતે હતાશ બની ગઈ હતી. ભાવનાત્મક આઘાતના કારણે તેણી ઘરેથી નીકળી આત્મહત્યા કરવાનો વિચાર કરી રેલવે ટ્રેક પર પહોંચી ગઈ હતી. ૧૮૧ મહિલા અભયમ ટીમે યુવતીને આત્મહત્યાના ગંભીર પરિણામો અંગે સમજાવી, વિશ્વાસમાં લઈને જીવન તરફ પાછા વળવા પ્રોત્સાહિત કરી હતી. ત્યારબાદ યુવતીને સુરક્ષિત રીતે ઘરે લઈ જઈ તેની માતાને સોંપવામાં આવી હતી. આ સાથે પરિવારજનોને પણ સંવાદ, સમજદારી અને લાગણીસભર સહયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનામાં યુવતીને હેમખેમ રીતે બચાવી પરિવાર સાથે મિલન કરાવવાના બદલામાં માતા તેમજ મામા-મામી સહિત પરિવારજનોએ ૧૮૧ મહિલા અભયમ ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈનની આ કામગીરી સમાજ માટે આશાનું કિરણ બની છે.


