કેશોદના હિન્દુ - મુસ્લીમ સમાજનો અભૂતપૂર્વ ઐતિહાસિક ર્નિણય સ્વયંભૂ હદ વિસ્તાર નકકી કરશે : કાયમી શાંતિ જાળવવા પ્રયાસો
જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ સહિત સમગ્ર રાજયનાં વિવિધ નાના-મોટા શહેરો, તાલુકા મથકો અને મહાનગરોમાં હિન્દુ-મુસ્લીમ મીશ્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની અવારનવાર માંગણીઓ ઉઠે છે અને આ બાબતે બંને હિન્દુ-મુસ્લીમ કોમ માટે સંવેદનશીલ બાબત ગણાય છે તે સંજાેગોમાં બંને કોમ વચ્ચે કાયમી શાંતી જળવાય અને ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઉભા થાય નહી અને તમામ ધર્મ, જાતિ, જ્ઞાતિ સમુદાયનાં લોકો શાંતિ-સૂમેુળથી રહી શકે તે માટે કેશોદ શહેરનાં હિન્દુ - મુસ્લીમ આગેવાનોએ એક સંયુકત પહેલ કરીને કેશોદ શહેરમાં હિન્દુ - મુસ્લીમ વિસ્તારોની હદ નકકી કરી તે મુજબ વસવાટ કરવાનો નિર્ણય કરતા સમગ્ર રાજયમાં અને સંભવત : સમગ્ર દેશમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના હોવાનું માનવામાં આવી રહયું છે. કાયમી શાંતિ જાળવવાના પ્રયાસ રૂપે બંને કોમ વચ્ચે ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઉભા થાય નહી તે માટે અભૂતપૂર્વ ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે.
જુનાગઢ જીલ્લાનું કેશોદ શહેર એટલે જીલ્લાનું સૌથી વધુ વિકસીત અને સૌથી વધુ વેપાર ધંધો ધરાવતું શાંતી પ્રિય શહેર છે. કેશોદ નગર પાલીકાનો વોર્ડ નં. ૧ સૌથી વધુ વિકસીત વિસ્તાર છે. આ વિસ્તારમાં બરસાના સહીત ૧૧ જેટલી સોસાયટીઓ આવેલી છે. અહીં વર્ષોથી હિન્દુ મુસ્લીમ સમાજ સંપીને રહે છે પરંતુ ભવિષ્યમાં ભાવી પેઢીમાં કોઈ પ્રશ્નો ઉભા ના થાય એટલે હિન્દુ મુસ્લીમ બંનેની વસવાટો વચ્ચે એક ચોક્કસ હદ નક્કી થઈ જાય તે માટે આ વિસ્તારના હીન્દુ સમાજ તરફથી ઘણાં લાંબા સમયથી અશાંત ધારો લાગુ કરવાની માંગણી ઉઠી હતી. આ બાબતે હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો અને રહીશોની મીટીંગ મળી હતી.
આ મીટીંગમાં નગર પાલીકાના સદસ્યો સમીરભાઈ પાંચાણી, કેયુરભાઈ પીપલીયા, કેશોદ શહેર ભાજપ મહામંત્રીઓ ગૌરાંગભાઈ વ્યાસ, ભરતભાઈ કોરીયા, વિશ્વ હિન્દુ પરિષદના તાલુકા પ્રમુખ લખનભાઈ કામળીયા, શહેર પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ, ભારત વિકાસ પરીષદના સોલંકી, જગમાલભાઈ નંદાણીયા, મુળુભાઈ બોદર, ડો. તન્ના સાહેબ, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ ઘીમેલીયા, જુનાગઢ જીલ્લા સંધી મુસ્લીમ સમાજના પ્રમુખ હુસેનભાઈ દલ, કેશોદ મુસ્લીમ સમાજના આગેવાનો નજીરખાન બેલીમ, અલીભાઈ સાંધ, કાસમભાઈ શેખ, મહેમુદભાઈ મહીડા, મુસાભાઈ મહીડા, ઈબ્રાહીમખાન બેલીમ, સલીમભાઈ સોઢા વિગેરે આગેવાનો તેમજ એ વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હિન્દુ-મુસ્લીમ આગેવાનો એ પગપાળા વિસ્તારની મુલાકાત લઈને વિસ્તારની હદ નક્કી કરી હતી અને જે સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી હતી એ વિસ્તારમાં મુસ્લીમ સમાજના એકલ દોકલ પરીવારો વર્ષોથી પોતાના મકાનો બનાવીને રહે છે તેઓ ઈચ્છે તો રહી શકે છે, હવે પછીથી હદ નક્કી કર્યા મુજબના વિસ્તારમાં મુસ્લીમોએ મકાન કે પ્લોટ રહેવા માટે લેવા નહીં, પરંતુ મુસ્લીમ બિલ્ડર ધંધાર્થે પ્લોટ ખરીદી વેચાણ કરી શકશે પરંતુ નક્કી કરેલ હદ મુજબના વિસ્તારમાં મુસ્લીમને રહેણાંક માટે પ્લોટ વેચાણ કરશે નહીં એવું નક્કી કરવામાં આવ્યું છે. હિન્દુ સમાજના આગેવાનો અને પાંચ મુસ્લીમ સમાજના આગેવાનો એમ કુલ ૧૧ સભ્યોની કમીટી બનાવવામાં આવી. નક્કી કરેલ હદ મુજબનો નકશો બનાવવામાં આવશે અને રૂા.૩૦૦ ના સ્ટેમ્પ ઉપર લેખિત કરાર (બંધારણ) તૈયાર કરી નોટરી રૂબરૂ કમીટીના ૧૧ આગેવાનો સહીઓ કરશે. કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો કમીટીની મીટીંગ મળશે અને કરારથી નક્કી થયા મુજબ પ્રશ્ન હલ કરવામાં આવશે. હિન્દુ મુસ્લીમ સમાજ વચ્ચે ક્યારેય મતભેદ ઉભા ના થાય એ જોવાની જવાબદારી કમીટીની રહેશે. આ રીતે હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો અને વિસ્તારના રહીશોએ મળીને સ્વંયભૂ હદ વિસ્તાર નકકી કરી હિન્દુ મુસ્લીમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ગુજરાત રાજ્યમાં આ પ્રથમ ઘટ્ટના છે. જેની નોંધ સમસ્ત ગુજરાત લેશે. આ કામમાં સોથી વધુ મહેનત કરનાર સમીરભાઈ પાંચાણી અને નજીરખાન બેલીમ સહીતના હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનોને હુશેનભાઈ દલ સહિતનાં નાગરીકોએ અભિનંદન પાઠવી પ્રશંસા કરેલ છે. આ નવતર પહેલ અંગે બંને સમાજના આગેવાનો એ એક બીજાના મોઢા મીઠા કરાવી એક બીજાને હાર તોરા કરી સન્માન કર્યું હતું


