વેરાવળ બંદર સ્થિત ફિંગર જેટી વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી

મચ્છીના કાંટાના સ્ટોરેજમાં આગ ભભૂકતાં ૧૦ જેટલા દંગા અને બે છકડો રિક્ષા બળીને ખાખ; ફાયર ટીમે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, સદનસીબે જાનહાનિ ટળી

વેરાવળ બંદર સ્થિત ફિંગર જેટી વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.ર૩
વેરાવળ બંદર વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બંદરના ફિંગર જેટી વિસ્તારમાં મચ્છીના કાંટાના સ્ટોરેજમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસનાં આશરે ૧૦ જેટલાં દંગા (ઝૂંપડાં) તેમજ બે છકડો રિક્ષા આગની ઝપેટમાં આવી ગયાં હતાં. આગની આ ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે વહેલી સવારે આશરે ૫:૩૦ વાગ્યાના સુમારે વેરાવળ બંદરના ફિંગર જેટી વિસ્તારમાં મચ્છીના કાંટાના સ્ટોરેજમાં અચાનક આગ લાગી હતી. આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસમાં આવેલાં દંગા અને ત્યાં પાર્ક કરેલી બે છકડો રિક્ષા પણ તેની ઝપેટમાં આવી ગયાં હતાં. આગની જ્વાળાઓને કારણે દંગા અને રિક્ષાઓને નુકસાન પહોંચ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી. આગ અંગેનો કોલ મળતાં જ વેરાવળ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ વિકરાળ હોવાથી તેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આગ બુઝાવવા પાણીનો મારો ચલાવવાની સાથે મીની ફાયર ટેન્કર અને વોટર બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જમાદાર સુનિલ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ડીસીપીઓ હરપાલસિંહ ખેર સહિત ફાયરમેન રોહિત વંશ, વિક્રમ ખટાણા, કેતન વાળા અને જીતેશ ભરડવાની ટીમે સંયુક્ત પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા કામગીરી કરી હતી. આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગની ઘટનામાં મચ્છીના કાંટાના સ્ટોરેજ ઉપરાંત આસપાસનાં આશરે ૧૦ દંગા અને બે છકડો રિક્ષાને નુકસાન થયું છે. આગને કારણે કેટલું આર્થિક નુકસાન થયું છે તે અંગે સત્તાવાર આંકડો સામે આવ્યો નથી. વહેલી સવારે બનેલી આ ઘટનામાં ફાયર વિભાગની સમયસર કામગીરીને પગલે આગ પર કાબૂ મેળવાયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગેની સ્પષ્ટતા હજી થઈ નથી.