હોર્મુઝ પર ટોલ વસુલવાના મામલે ટ્રમ્પે ર૪ કલાકમાં યુ-ટર્ન લીધો
(એજન્સી) વોશીંગ્ટન તા.15:
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર 20 ટકા કાર્ગો ફી લાદવાનો પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હવે મોટા વેપાર અને રોકાણ કરારો ગલ્ફ દેશો સાથે કરવામાં આવશે, જે યુનાઇટેડ સ્ટેટ્સ માટે વધુ ફાયદાકારક સાબિત થશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ કરારો યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટા પાયે રોકાણ તરફ દોરી જશે અને લાખો નવી નોકરીઓનું સર્જન કરશે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખ્યું કે મધ્ય પૂર્વના નેતાઓ સાથે ખૂબ જ સકારાત્મક વાતચીત પછી, તેમણે 20 ટકા યુએસ રિઇમ્બર્સમેન્ટ ફી લાદવાનો પોતાનો ર્નિણય પાછો ખેંચી લીધો છે. તેના બદલે, તેઓ ગલ્ફ દેશો સાથે વેપાર અને રોકાણ કરારો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સોમવારે, ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટનું રક્ષક બનશે અને આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા તમામ કાર્ગો પર 20 ટકા ફી વસૂલશે. તેમણે દલીલ કરી હતી કે અમેરિકા આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગની સુરક્ષા માટે જવાબદાર છે, અને તેથી અન્ય દેશોએ તેનો ખર્ચ ઉઠાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ બધા દેશો માટે ખુલ્લો રહેશે, પરંતુ ઈરાની જહાજો અને ઈરાની કાર્ગો પર સંપૂર્ણ નાકાબંધી લાદવામાં આવશે.


