કેન્દ્ર સરકારે ફરી એકવાર જણાવ્યું : પાસપોર્ટ નાગરીકતાનો પુરાવો નથી-માત્ર વિદેશ યાત્રા માટે જારી થતો દસ્તાવેજ
(એજન્સી) નવી દિલ્હી તા.15:
કેન્દ્ર સરકારે ફરી એકવાર જણાવ્યું છે કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાસપોર્ટ અધિનિયમ, 1967 મુજબ ભારત સરકાર દેશની બહાર મુસાફરી માટે ભારતીય નાગરિકોને પાસપોર્ટ જારી કરે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ એક દસ્તાવેજ છે જે સંપૂર્ણ તપાસ અને ચકાસણી પછી જારી કરવામાં આવે છે. તેનું સંચાલન પાસપોર્ટ અધિનિયમ, 1967 અને પાસપોર્ટ નિયમો, 1980 હેઠળ થાય છે. જયસ્વાલે જણાવ્યું હતું કે દેશના 8 ટકા થી પણ ઓછા નાગરિકો પાસે પાસપોર્ટ છે.
24 જૂનના રોજ પાસપોર્ટ સેવા દિવસ પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાસપોર્ટ ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે, નાગરિકતાનો પુરાવો નથી. આ નિવેદન ચૂંટણી પંચની SIR પ્રક્રિયામાં પાસપોર્ટને નાગરિકતાના પુરાવા તરીકે ઉપયોગ કરવાના પ્રશ્ન પર આપવામાં આવ્યું હતું. મંત્રાલયે 2013ના બોમ્બે હાઈકોર્ટના ર્નિણયનો પણ હવાલો આપ્યો હતો, જેમાં પાસપોર્ટને નાગરિકતાનો પુરાવો માનવામાં આવ્યો ન હતો.
અધિકારીઓએ એ પણ જણાવ્યું હતું કે પાસપોર્ટ અધિનિયમ, 1967 હેઠળ જનહિતમાં જરૂર પડ્યે કેન્દ્ર સરકાર કોઈ બિન-ભારતીય નાગરિકને પણ પાસપોર્ટ જારી કરી શકે છે. તેથી પાસપોર્ટને નાગરિકતાનો અંતિમ પુરાવો માનવામાં આવતો નથી.


