હવે વકીલ પણ નકલી ! સનદ લેવા છેતરપીંડી આચરાઈ : ગુજરાત બાર કાઉન્સીલની તપાસમાં ધડાકો
ગુજરાતથી રાજસ્થાન સુધી ફેલાયેલું બોગસ એલએલબી ડીગ્રીનું મોટું કૌભાંડ
(બ્યુરો) અમદાવાદ તા.૦૩
કોર્ટમાં ઊભા રહીને જે વકીલ કાયદાના આધારે સાચા-ખોટાની દલીલ કરતાં હોય તે વકીલે જ કાયદાની ડિગ્રી મેળવવા માટે ખોટી માર્કશીટનો આધાર લીધો હોય તો શું કરવાનું? બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના ધ્યાને સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીની બોગસ માર્કશીટનો એક કેસ આવ્યો હતો. આ અંગે તપાસ કરવામાં આવી તો તેનો છેડો ગુજરાતની આસપાસ આવેલા રાજ્યોની યુનિવસિર્ટી સુધી લંબાયો. એ જાણીને નવાઈ લાગશે કે બોગસ માર્કશીટના કિસ્સા એક-બે કે પાંચેક જેવા નહોતા, પરંતુ ૧૦૦ જેટલી બોગસ માર્કશીટના કેસ સામે આવ્યા છે, જેમાંથી ૨૮ લોકો સામે FIR પણ નોંધાઈ ચૂકી છે. ગુજરાત રાજ્ય બન્યું ત્યારે શરૂઆતના સમયે એટલે કે વર્ષ ૧૯૬૧માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં આખા રાજ્યમાંથી ૧૧૮૪ વકીલો જ નોંધાયેલા હતા. સમય જતાં સભ્યોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો. બાર કાઉન્સિલની વેબસાઇટના ડેટા મુજબ રાજ્યમાં હાલ ૩૫૭ બાર એસોસિએશન નોંધાયેલા છે, જે હેઠળ ૧.૪૧ લાખ વકીલો રજિસ્ટર્ડ છે.


