જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી સમી ગરવા ગિરનાર ખાતે રોપ-વે યોજનાની કામગીરી નજીકનાં સમયમાં જ પરીપૂર્ણ થવાની છે. રોપ-વેનું સપનું સાકાર થવાનાં દિવસો હવે દૂર નથી તેવા નિર્દેશો મળી રહયા છે. દેશભરમાં રોપ-વેની કામગીરી માટે પ્રખ્યાત એવી ઉષા બ્રેકો કંપની દ્વારા જૂનાગઢ અને ગિરનાર રોપ-વેની કામગીરી ચાલી રહી છે. ઉષા બ્રેકો કંપનીનાં ગિરનાર રોપ-વે યોજનાનાં પ્રોજેકટ હેડ દિનેશસિંઘ નેગીનાં સુપરવીઝન હેઠળ પુરજોશથી કામગીરી ચાલી રહી છે. રોપ-વે માટેનાં લોઅર સ્ટેશન ઉપર જરૂરીયાત મુજબનાં બાંધકામ, પ્રવાસી જનતા માટેનાં વાતાનુકુલ ડોમ (કક્ષ) ટાવર સહીતની કામગીરી પુરી થઈ રહી છે. જયારે કુલ ૯ પૈકીનાં ૩ ટાવર લગાવાઈ રહયા છે અને અપર સ્ટેશન ખાતેનાં ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે. માલવાહક ટ્રોલી દ્વારા માલનું પરીવહન કરવામાં આવી રહયું છે. અને રોપ-વે યોજનાની કામગીરી જેમ બને તેમ ઝડપથી પરીપૂર્ણ થાય અને આગામી દિવસોમાં ગિરનાર રોપ-વે કાર્યરત બની જાય તે માટેનાં પ્રયાસો હાથ ધરાયા છે. આવતીકાલે જગતજનની માતાજી અંબાજીનાં પ્રાગટય દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે માતા અંબાજીને પણ પ્રાર્થના કરીએ છીએ કે રોપ-વે વહેલી તકે કાર્યરત થઈ જાય ઉપરાંત અંબાજી માતાજીનાં મંદિર પરીસરમાં પણ પ્રવાસી જનતા, ભાવિકોને માટે સુવિધાઓ ઉભી કરવાની લાગણી પ્રવર્તી રહી છે.