શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે જૂનાગઢ અને સોરઠ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છનું જનજીવન પ્રભાવિત બન્યું છે તેમ છતાં તહેવારોની ઉજવણી શાહી અંદાજ અને શાનદાર રીતે કરવામાં આવે છે. મકરસંક્રાતિનું પર્વ પણ એક તરફ દાન પુણ્યનો મહિમા વર્ણવે છે તો બીજી તરફ લોકો પતંગની મોજ પણ ઉડાવે છે.
ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવેલ હતો અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પતંગનાં પેચો યોજાઈ રહ્યાં છે ત્યારે આ વખતે પણ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો છે અને ઠેર-ઠેર પતંગ મહોત્સવનાં આયોજનો થયા છે. ખાસ કરીને રાજકોટ અમદાવાદ, સુરત, વડોદરા, નડીયાદ, ખેડા, ડાકોર, ગોધરા સહિતનાં શહેરોમાં પતંગની મોજ લોકો ઉત્સાહભેર માણશે.
રંગીલા રાજકોટ શહેરમાં તો રસ્તા ઉપર દિવસોથી મકરસંક્રાતિ પૂર્વે જ પતંગ ઉડાવવા માટેનો દોર તૈયાર કરવામાં આવે છે અને તેને માંઝો પાવામાં આવે છે પાંચ રૂપિયાથી લઈને પ૦૦ રૂપિયા સુધીની પતંગો આજે બજારોમાં ઉપલબ્ધ બની છે અને લોકો હોંશે-હોંશે ખરીદી રહ્યાં છે.જૂનાગઢમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પતંગ ઉત્સવ યોજાય છે.
જૂનાગઢ શહેરનાં લોકો પણ હોંશે-હોંશે પોતાનાં બાળકો માટે પતંગની ખરીદી કરે છે અને મકરસક્રાંતિનાં દિવસે વહેલી સવારથી જ પતંગ ઉડાડવાની મોજ માણે છે. સાનુકુળ પવન ન હોવાનાં કારણે પતંગબાજાને મુશ્કેલી પડે છે પરંતુ પાછલા બે વર્ષોમાં બપોરનાં સમય બાદ સાનુકુળ પવન થતાં પતંગનાં રસિયાઓને મોજ પડી હતી. આ વર્ષે પણ સોમવારે લોકો પતંગ ઉડાવી અને પેચ લડાવવાની મોજ માણશે તેમજ દિવસ દરમ્યાન પતંગનાં પેચ લડાવ્યાં બાદ સાંજે અગાસી ઉપર ઉંધીયા પાર્ટી, ભજીયા પાર્ટી જેવાં કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આમ મકરસક્રાંતિની ઉજવણી માટેનો ઉત્સાહ સર્વત્ર પ્રવર્તી રહ્યો છે. દરમ્યાન જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સોમવારે મકરસંક્રાતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે મકરસંક્રાંતિ પર્વ એટલે દાન,પુણ્યનો અનેરો મહિમા વર્ણવતું આ પર્વ છે.
આ દિવસે ગાયોને ઘાસ તેમજ ખિચડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે તેમજ તલનાં લાડુ, મમરાનાં લાડુ સહિતની ગોળ અને ખાંડની વસ્તુઓનું આદાન પ્રદાન થતું હોય છે લોકો ગુપ્તદાન પણ કરતાં હોય છે મકરસંક્રાંતિ પર્વને લઈને ગોળ અને ખાંડની વાનગીઓ જેવી કે તલના લાડુ, મમરાનાં લાડુ, ખજુર પાક, માંડવી પાક સહિતની વાનગીઓથી બજાર ઉભરાયું છે. ઠેર ઠેર તૈયાર ઉંધીયાનું જબ્બર વેંચાણ થઈ રહયું છે. અને લોકો હોશેં-હોશેં ખરીદી કરી રહ્યાં છે.