જૂનાગઢની ખ્યાતનામ સંસ્થા ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ અને હોમ સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓને નીડર અને સાહસિક બનાવવા તથા સ્વરક્ષણની તાલીમ મળી રહે તે માટે ચાર દિવસીય તાલીમ ગોઠવવામાં આવેલ છે. આ ચાર દિવસીય તાલીમ અંતર્ગત કોલેજમાં રોજ બે કલાક વિવિધ તાલીમ આપવામાં આવનાર છે. પ્રથમ દિવસે આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કોલેજના આચાર્ય ડો.બલરામ ચાવડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ અવસરે એ.બી.વી.પી.ના ઋતુબેન ઠાકરે પોતાની આગવી છટાથી પ્રવચન આપીને પછી સૌને નારા બોલાવ્યા હતા.
‘નારી બસ પીડિતા નહીં યૌધા હૈ,
હર સાહસી સ્વયં સિધ્ધ હૈ,
બહુ છુપા હે તુજમે સાહસ ઉસકો પહેચાન લે તું’
ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને સાગરભાઇ ચૌહાણ તથા સરોજબેન ચૌહાણ, કામળિયા કંચનબેન, નર્મદાબેન સોલંકી દ્વારા વિવિધ તાલીમ દાવ શીખવાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે એ.બી.વી.પી.ના પાર્થ મહેતા તથા ભાગ્યશ્રીબેન ડાંગર વગેરે હાજર રહી પ્રોત્સાહન પૂરૂં પાડયું હતું. આ ચાર દિવસીય તાલીમ દ્વારા વિદ્યાર્થીની સ્વરક્ષણ જાતે કરતાં શીખી શકશે તથા તેમનામાં નિર્ભયતાના ગુણો વિકસશે. આ કાર્યક્રમના આયોજન માટે સંસ્થાના ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ સૌને અભિનંદન આપી આવા કાર્યક્રમો યોજવા માટે સૌને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ડો. પિયુષ મરથકે કર્યું હતું.