જૂનાગઢમાં એલઆરડીની પરીક્ષામાં પુત્ર સાથે અન્યાય થતાઃ વિદ્યુત સહાયકની કચેરીમાં જ કર્મચારીનો આપઘાત : પુત્રની પણ ન્યાય નહી મળે તો આપઘાત કરવાની ચિમકી

0

જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢ સરદારબાગનાં દરવાજા નજીક આવેલ સહાયક વિદ્યુત નિરિક્ષક કચેરી બહુમાળી ભવનમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા મ્યાંજરભાઈ મુંજાભાઈ હુણ (ઉં.વ ૪૯)નો મૃતદેહ ગઈકાલે સવારે પોતાની ઓફિસમાં પંખે લટકતી હાલતમાં જાેવા મળ્યો હતો.આ ઘટનાની જાણ થતાં મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૃતકોના બન્ને દીકરાઓ ગત ૨૦૧૮-૧૯માં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી પોલીસ લોક રક્ષક દળની ભરતીમાં લેખિત અને શારીરિક પરીક્ષા પાસ કરી અને અનૂસુચિત જનજાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે આદિજાતિ કમિશ્નરની કચેરી ગાંધીનગરમાં પૂરતા પૂરાવા રજૂ કર્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. જેનું લાગી આવતા જૂનાગઢમાં બહુમાળી ભવન ખાતે આવેલી વિદ્યુત સહાયકની કચેરીમાં જ આ કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા કચેરીના મ્યાંજરભાઈ હુણે ગળોફાંસો ખાઈ મોતને વહાલુ કર્યું હતું. મૃતકે આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે, પોતાના પુત્ર સાથે એલઆરડીની પરીક્ષામાં અન્યાય થવાના કારણે તેમણે આ પગલું ભર્યું છે તે વાતનો તેમણે પોતાની અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. આપઘાત કરનાર શખ્સ વિદ્યુત સહાયક શાખામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. કર્મચારીના બંને પુત્રો એલઆરડી પરીક્ષામાં પાસ થયા હતા. આ ઉપરાંત મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા જેમાં જણાવાયું હતું કે, વનમંત્રી ગણપત વસાવા અને તેનો વિભાગ આપઘાત માટે જવાબદાર છે. આ સાથે તેમણે ભાજપને કદી સમર્થન ન આપવા રબારી સમાજ અને ગરીબ લોકોને અપીલ કરી હતી.
                                               આખરે શું લખ્યું અંતિમ ચિઠ્ઠીમાં ?
‘ભાજપ કંપની સરકાર હજારો ગરીબ માણસોનો ભોગ લઈ રહી છે. મારા મૃત્યુ માટે ઉપર દર્શાવેલા પ્રધાનો તથા અધિકારીઓ જવાબદાર હોવા છતાં આ ભાજપ કંપની સરકાર કોઈ કાર્યવાહી કરશે નહી પરંતુ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય આપશે. હું મારા બંને દીકરાની વેદના જાેઈ ના શક્યો. મોઢે આવેલો કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો. સરકાર ગરીબોને મારી નાખશે. ગદ્દારો, ભગવાન ન્યાય આપવા માટે બેઠો છે. મારા રબારી સમાજને વિનંતી કે ભાજપ સરકાર પ્રધાન પદ આપે તો પણ તે નકારજા અને ભાજપને ક્યારેય મત આપશો નહીં.’ આવી કળકળતી વેદના તેમણે પોતાની સ્યુસાઇડ નોટમાં વ્યસ્ત કરી હતી. બનાવના પગલે પરિવાર સહિત સમાજના આગેવાનો, મહિલાઓ સહિતના મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો હોસ્પિટલ પી.એમ.રૂમ ખાતે ઉમટયા હતા અને મૃતદેહ સ્વિકારવા સાફ ઇન્કાર કર્યો હતો તેમજ તાત્કાલિક, મરણ જનારના પુત્રોને સરકારી નોકરી ર૪ કલાકમાં આપવા, તાત્કાલિક એફ.આઇ.આર નોંધવા, એલઆરડીની ભરતીમાં અન્યાય થયેલા ૯૩ યુવાનોના મુદ્દે ચર્ચા કરવા સહિતની માંગણીઓ કરી જૂનાગઢ હોસ્પિટલ ખાતે જ ઉપસ્થિતોએ રામધૂન બોલાવી હતી સાથે આ મુદ્દે ત્વરીત નિર્ણય નહીં આવે તો ગુજરાતભરમાંથી રબારી સમાજના લોકો જૂનાગઢ ઉપસ્થિત થશે તેવી ચીમકી પણ ઉપસ્થિત સમાજ અગ્રણીઓએ ઉચ્ચારી હતી.
આ લખાય છે ત્યાં સુધી હજુ પણ મૃતકનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે. વિશેષમાં ર૪ કલાકનાં ધરણા બાદ આજે હોસ્પીટલ ખાતે જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ આ લખાય છે ત્યારે પહોંચી ગયા હતાં અને પિડીત પરીવારની વ્યથાને સાંભળી હતી. આત્મહત્યા કરનાર મ્યાંજરભાઈ હુણનાં પુત્રએ પણ આજે એક ટીવી ઈન્ટરવ્યુંમાં જણાવ્યું છે કે જા ન્યાય નહીં મળે તો હું પણ આત્મહત્યા કરી લઈશ.

error: Content is protected !!