જૂનાગઢ તા.૧૮
જૂનાગઢની નગરી ઐતિહાસીક, રાજકીય, સામાજીક, ધાર્મિક, ભાતીગળ અને તમામ વર્ગનાં લોકો વચ્ચેની ભાઈચારાની ભાવનાથી ઝળહળતી આ નગરીની એક અન્ય વિશેષતા પણ રહી છે આ નગરીમાં પ્રતિભા સંપન્ન લોકો, કલાકારો અને જુદાં-જુદાં ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય દાખવનારાં વિશિષ્ટ વ્યકિતઓથી આ સોરઠી જૂનાગઢ શહેર ગુજરાતભરમાં નામાંકિત બન્યું છે ત્યારે આ શહેરનાં એક જન્મજાત કલાકાર ગણી શકાય તેવાં વાલજીભાઈ અકબરીની વાત કરવી છે, સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક તથા ન્યુઝ ચેનલનાં દર્શકોમાં અતિ લોકપ્રિય થઈ ગયેલાં આપો-મેપો હાસ્યકથાનકનાં એક મહત્વનાં પાત્ર એવાં આપો કે જે વાલજીભાઈ અકબરીનાં નામે ઓળખાય છે. આ કલાકાર જયારે સ્ટેજ ઉપર આવે છે અને તેમને કલા દર્શાવવાનો મોકો મળે છે ત્યારે હાસ્યનાં ફુવારાં ઉડે છે અને આ કલાકારની કદરદાનીને લઈને લોકો વાહ..વાહ..પોકારી ઉઠે છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક તથા ન્યુઝ ચેનલનાં સથવારે જેઓની કલા-કારીગીરી સોળે કળાએ ખીલી ઉઠી હતી. તેવા વાલજીભાઈ અકબરી આજનાં યુ-ટયુબનાં જમાનામાં શોર્ટ ફિલ્મ એપિસોડનું નિર્માણ કરી રહ્યાં છે અને હાસ્યનાં ઝુમખાં વરસાવતાં વાલજીભાઈ અકબરીએ આ એપીસોડનું નામ આપ્યું છે. રોજે-રોજ, મોજે-મોજ આ શોર્ટ ફિલ્મ ૭ થી ૧૦ મિનીટની તૈયાર કરવામાં આવશે અને તે ઉપરોકત ટાઈટલ સાથે યુ-ટયુબમાં મુકવામાં આવશે. ઐતિહાસીક નગરીએ એવી જૂનાગઢનાં વિવિધ ધાર્મિક સ્થળોએ તેનું ફિલ્માંકન થવાનું છે. નિલુબેન ફોરેનર આજે જૂનાગઢનાં મહેમાન બનશે. આજે રેલ્વે સ્ટેશન ખાતેથી જ તેઓની એન્ટ્રી સાથે શુટીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જૂનાગઢનાં જુદાં-જુદાં સ્થળો જેમ કે દામોદરકુંડ, ભવનાથ ક્ષેત્ર, ગિરનારની સીડી, રોપ-વે સાઈડ સહિતનાં સ્થળોને શુટીંગમાં આવરી લેવામાં આવશે અને આ એપીસોડ સતત નિર્માણ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. રોજે-રોજ, મોજે-મોજ શોર્ટ ફિલ્મમાં જૂનાગઢ તથા તેની આજુબાજુનાં ધાર્મિક અને ઐતિહાસીક સ્થળોને આવરી લેવામાં આવનાર છે સાથે-સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પારસીબાબા બહેરામજીનો એપિસોડ પણ શરૂ થશે અને તેમાં સ્વચ્છતાને લઈને મુખ્ય વાત આવરી લેવામાં આવી છે અને સાથે જે-તે સ્થળોની વિશેષતા અને સાથે હાસ્ય અને મનોરંજન પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કલા-કારીગીરીને આત્મસાદ કરનારા વાલજીભાઈ અકબરીએ હિન્દી-ફિલ્મમાં પણ અભિનયનાં ઓજસ પાર્થયા છે. આ ઉપરાંત માહિતી ખાતા દ્વારા થતાં સ્ટેજનાં કાર્યક્રમમાં પણ તેઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી અને વાહ..વાહ..મેળવી છે.આવાં કલાકાર જયારે જૂનાગઢ ખાતે યુ-ટયુબનાં માધ્યમથી શોર્ટ ફિલ્મ બનાવી રહ્યાં છે ત્યારે કલા-રસીક જનતા તેમને પુરતો સહકાર આપશે તેવી અપેક્ષા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર લોકોની સમસ્યાઓને વાચા આપે છે એટલું જ નહીં પ્રતિભા સંપન્ન અને વિશિષ્ટ ક્ષેત્રમાં પ્રદાન કરનારા વ્યકિત વિશેષોને પણ અવારનવાર અખબારી માધ્યમ દ્વારા તેઓનાં યોગદાનને બિરદાવવાની કામગીરી પણ સુપેરે નિભાવે છે અને જેને લઈને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક અખબાર સર્વે જન જન સુખાયની માફક સર્વે લોકોનું લોકપ્રિય અખબાર બની ગયું છે.