મજુરો – કામદારોને છુટ્ટા કરી દેનાર માલિકો વિરૂધ્ધ જરૂર પડયે ગુનો પણ દાખલ થશે : જૂનાગઢ શહેર જીલ્લા વહીવટી તંત્રની સ્પષ્ટ સૂચના

0

જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનની અસર વર્તાઈ રહી છે અને ર૧ દિવસનાં લોકડાઉનનો આજે ચોથો દિવસ છે આ ચાર દિવસ દરમ્યાન મોટાભાગનાં ધંધા-રોજગાર બંધ રહયા છે. આ ઉપરાંત મજૂરી કામથી માંડી લગભગ રોજગાર ક્ષેત્ર ઠપ્પ થયેલું છે. આવા સંજાગોમાં બહારથી રોજગારી માટે આવેલા લોકોને પોતાના વતન જવા માટેની મુશ્કેલી તેમજ તેઓને આશ્રય સ્થાન અને ભોજનની વ્યવસ્થાનો ગંભીર પ્રશ્ન ઉઠવા પામેલ હતો આવા સંજાગોમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની માર્ગરેખા મુજબ વહીવટી તંત્ર કટીબધ્ધ બની ગયેલ છે તેમજ સેવાકીય સંસ્થાઓ પણ મદદ માટે તત્પરતા દર્શાવી જરૂરીયાતમંદ લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા ફૂડ પેકેટ વગેરે તૈયાર કરવામાં આવી રહયા છે તેમજ જૂનાગઢ જીલ્લા અને સોરઠ પંથકમાં સેવાકીય પ્રવૃતિ વેગવાન બની છે. આ દરમ્યાન ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી અને જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા એક તાત્કાલીક અસરથી પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરીષદમાં મહત્વપૂર્ણ વિગતો આપવામાં આવી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લો હાલ કર્ફયુ તથા ૧૪૪ કલમ સાથે સંપૂર્ણ બંધ હોય, કારખાના, ફેકટરીઓમાં કામ કરતા મજુરો પોતાના વતન તરફ નીકળી પડયા છે પરંતુ વાહનો મળતા ન હોય લોકો ચાલીને પોતાના વતન તરફ જઈ રહયા છે ત્યારે આ સ્થિતિને પગલે જૂનાગઢ જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘે આદેશો જારી કર્યા છે.
જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, કારખાના, ફેકટરીએ કામ કરતા લોકોએ સ્થળ ન છોડવું. તેમને ત્યાંજ રહેવું જાઈએ અને તેમના નિભાવની તમામ જવાબદારી જે તે માલિકની છે. તેમને રહેવાની, જમવા સહિતની વ્યવસ્થા માલિકે પુરી પાડવાની છે આ ઉપરાંત કેટલાક માલિકો બંધ દરમ્યાન કામદારો લોકોને છુટ્ટા કરી રહયા છે આવું કરનાર માલિકો સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે તેમજ જરૂર જણાયે તેમની સામે ગુનો પણ નોંધવામાં આવશે. આ તકે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘે જણાવ્યું હતું કે, આ મુશ્કેલીની ઘડી છે મજુરોને માલિકોએ સાચવવા જોઈએ અને તેમ નહી કરે તો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે. ઉપરાંત આ સંયુકત પત્રકાર પરીષદમાં જણાવવામાં આવ્યું હતું કે, પેટ્રોલ – ડીઝલનાં વેચાણ માટે સમય નિર્ધારીત કરાયો છે અને જીવન જરૂરી વસ્તુઓની હેરાફેરીમાં જોડાયેલા વાહનોને પેટ્રોલ આપવા તેમજ સામાન્ય લોકોને ડીસ્કરેજ કરવા પણ જણાવ્યું હતું. આ તકે ઉપસ્થિત રહેલા જૂનાગઢનાં નાયબ માહિતી નિયામક અર્જુનભાઈ પરમારે પણ જણાવ્યું હતું કે કારખાનામાં કામ કરતા શ્રમિકોની જવાબદારી માલીકો નિભાવે તેમ જણાવ્યું હતું. વિશેષમાં જૂનાગઢમાં ૧પ૦ થી વધુ લોકોને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષીત રીતે રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

error: Content is protected !!