જોષીપુરા જૂનાગઢનાં એક સ્વચ્છ શેડમાં ચણાનો લોટ, મમરા, તેલ સહિતનો પુરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. આ કોઈ હોલસેલ વેપારીનો સામાન નથી. અહીંયા કોરોનાનાં સંદર્ભે લોકડાઉનની સ્થિતિમાં રોજેરોજનું કરીને ગુજરાન ચલાવતા લોકો માટે લાડુ,ચવાણું, ચેવડો, સક્કરપારા સહીતની વસ્તુઓનાં ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
પ્રત્યેક કીટ રૂપિયા ૩૦૦માં તૈયાર થાય છે અને દરરોજ સેવાભાવી યુવાનોના સહયોગથી આવી ૬૦૦ કીટ તૈયાર કરી જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપવામાં આવે છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમના સુધી આ કિટ પહોંચાડવાની જવાબદારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. લોકડાઉન જેટલા દિવસ ચાલશે એટલા સમય સુધી અમારૂં રસોડું કીટ બનાવવા ધમધમતું રહેશે તેમ ગીરના નાના ગામમાં મોટા થયેલાં જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ જણાવ્યું હતું અને વધુમાં કહ્યું હતું કે મારી પાસે જે છે તે સમાજનું છે અને ટાણું આવ્યે સમાજને આપવું તે ફરજ છે. મને સમાજે મોટો કલાકાર બનાવ્યો છે. બાકી મારી પાસે શું હતું સમાજે મને મોટો ન બનાવ્યો હોય તો આજે આ સેવા કાર્ય ન કરી શકત. ગીરના સાવજની ડણક વચ્ચે મોટા થયેલા ગીરના કલાકારની આ દાતારી છે. એક ફૂડ પેકેટમાં સાતથી આઠ લોકો આરામથી જમી શકે છે. કિટની સામગ્રી તૈયાર કરવા સ્વચ્છતા અને સુઘડતા આ બધું જોઈને નગરપાલિકાના સત્તાવાળાઓ પણ લોકસાહિત્યકારની આ કામગીરીને બિરદાવી હતી. જનતા કફર્યુમાં ફેસબુક ઉપર આખો દિવસ લાઈવ રહીને મનોરંજન કરાવવું અને લોકડાઉનમાં પણ પોતાના ચાહકો સાથે ડિજિટલ માધ્યમથી સતત જોડાયેલાં રહેતા રાજભા ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે લોકોએ આપેલું વખત આવ્યે લોકોને આપવું એ આપણી સંસ્કૃતિ છે અને અમે તો પચાસ હજાર કે એક લાખની મેદની વચ્ચે દાતારોની દાતારીની દુહાઈ દેતા હોય ત્યારે આ તો આપણી અને ફરજ અને જવાબદારી છે. રાજભા ગઢવીએ ફુડપેકેટ તૈયાર કરવાની કામગીરીનો શ્રેય શીવરાજભાઈ વાળા તેમજ તેની ૩૦ સભ્યોની ટીમને આપ્યો હતો. અને કહ્યું હતું કે નાણાં આપવા તો ઘણાં તૈયાર થાય પણ ૨૪ કલાકમાંથી ૧૮ કલાક કામ કરનાર આ યુવાનોની મહેનતથી ફુડ પેકેટ તેયાર થાય છે. (માહિતી બ્યુરો)