હાલ જ્યારે કોરોનાને કારણે સમગ્ર દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે અને ગુજરાતની તમામ શાળાઓ પણ બંધ છે. ત્યારે આવા સંકટ સમય દરમ્યાન બાળકોનો અભ્યાસ ન બગડે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયાના પ્રાથમિક શિક્ષક નિકુંજભાઈ સવાણી દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં તેઓએ પોતાના ઘરે સ્વ ખર્ચે તૈયાર કરેલા સ્ટુડિયોમાં શૈક્ષણિક વિડીયો તૈયાર કરી પોતાની યુટ્યુબ ચેનલમાં મુક્યા છે. અત્યાર સુધીમાં ૨૪,૦૦૦ થી વધુ વિધાર્થીઓએ આ ચેનલ સાથે જોડાઈ વિડિયોનો લાભ લીધો છે. આ ઉપરાંત તેઓ એપ્લીકેશન દ્વારા દરરોજ સાંજે છ થી સાત દરમ્યાન એક કલાક ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બાળકોને ભણાવે છે. જેમાં હાલ તેઓ કોમ્પ્યુટર વિષય વિનામુલ્યે ભણાવી રહ્યાં છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈન ન થઇ શક્યા હોય તેમના માટે લાઈવ લેકચર રેકોર્ડ કરી યુટયુબના માધ્યમથી શેર કરે છે.