લોકડાઉનમાં સાસરીયાના ત્રાસથી ખીરસરાથી નીકળતાં સહી સલામત માવતરે પહોંચાડતી જૂનાગઢ પોલીસ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. યુસુફભાઈ, ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ સહિતની ટીમ બંદોબસ્તમાં હતા ત્યારે જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભેડા અને લીલાબેન ભેડા, પતિ પત્નીએ આવી જાણ કરેલ કે પોતાની દીકરી પ્રિયા કે જે લોધિકા તાલુકાના ખીરાસરા ખાતે સાસરે હોઈ, પોતાના સાસરિયા દ્વારા આપવામાં આવતા ત્રાસના કારણે ખીરાસરા થઈ નીકળી ગયેલ છે, મોબાઈલ બંધ આવે છે, તો પોતાની પુત્રીને જૂનાગઢ લાવવા ચિંતાતુર હૃદયે રજુઆત કરેલ હતી. દીકરી પ્રિયાના માતા પિતા તથા કુટુંબીજનો હાલની લોકડાઉનની પરિસ્થિતિને લઈને ખૂબ જ ગભરાઈ ગયેલા અને દીકરી કોઈ અવિચારી પગલું ભરી ના લે, એવા વિચારે ખુબ જ મુંઝાયેલા પણ હતા.  જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા દ્વારા તાત્કાલિક રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ મહેન્દ્રસિંહ રાણા અને શાપર પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલનો સંપર્ક કરવામાં આવેલ દરમ્યાન દીકરી પ્રિયાનો મોબાઈલ ઉપર સંપર્ક થતા અને તેઓને રાજકોટ રૂરલની ફૂડ પેકેટની મોબાઈલ મળી જતા અને ફૂડ પેકેટની મોબાઈલ સાંકળી ચોકી ધાર સુધી આવતી હોય, હે.કો. શિરીષભાઈ સરવૈયા તથા સ્ટાફ ઘરેથી નીકળી ગયેલ પ્રિયાબેનને જૂનાગઢ પહોંચાડી ગયેલ હતા. જૂનાગઢ પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસ દ્વારા કપરા સમયમાં મદદ કરવા બદલ રમેશભાઈ અને લીલાબેનના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા રમેશભાઈ, લીલાબેન તથા દીકરી પ્રિયાબેન ડીવાયએસપી કચેરી આવી, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો.