જૂનાગઢ જીલ્લામાંથી સર્વેલન્સ હેઠળ રાજકોટ ખાતે ૧૬પ સેમ્પલો મોકલાયા : ૭૬ રિપોર્ટ નેગેટીવ અને ૮૯નું રિઝલ્ટ બાકી

0

 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં ગંભીર પ્રકારનાં રોગચાળા સામે જૂનાગઢ જીલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સર્વેલન્સ સાથે સેમ્પલ લેવાની કામગીરી જૂનાગઢ જીલ્લાભરમાં હાથ ધરવામાં આવી છે અને તેને પરિક્ષણ માટે મોકલવામાં આવી રહ્યાં છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી, જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી દ્વારા સતત મોનીટરીંગ અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ દરમ્યાન કોરોનાની મહામારીને જૂનાગઢ જીલ્લામાંથી દુર રાખવા આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા સતત સર્વેલન્સ અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. દરેક તાલુકામાંથી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે. જે અંતર્ગત વિસાવદર ૧૦, જૂનાગઢ પ, માંગરોળ ર૧, વંથલી ૯, મેંદરડા ૬, માણાવદર ૯, ભેંસાણ ૧૧, કેશોદ ર૦, માળીયા ર૦ મળી કુલ ૧૧૧ અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારનાં પ૪ મળી ગઈકાલ સુધીમાં ૧૬પ સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેને પરિક્ષણ માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી ૭૬નાં રિપોર્ટ આવી ગયા છે અને તે રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
વિશેષમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલાં કેસોનાં એક ૧૯ વર્ષીય દર્દીનું સેમ્પલ પણ નેગેટીવ આવેલ છે. પરંતુ આ દર્દીનું ગઈકાલે રાત્રીનાં સિવિલમાં દુઃખદ અવસાન થયું છે અને તેમનાં મૃત્યુંનાં કારણમાં લીવર ફેલ્યોર થવાનાં કારણે થયું હોવાનું બહાર આવેલ છે. આ ઉપરાંત આજે સવારે મેંદરડાનાં એક ૬૭ વર્ષીય મહિલાનું સેમ્પલ પણ ભાવનગર ખાતે મોકલવામાં આવેલ છે અને તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. તા.૧૧ થી ૧ર એપ્રીલનાં રોજ લેવામાં આવેલ સર્વેલન્સ સેમ્પલ હેઠળ રાજકોટ ખાતે ૧૬પ સેમ્પલો મોકલવામાં આવેલ હતા અને જે પૈકી ૭૬નાં રિપોર્ટ નેગેટીવ આવ્યા છે જયારે ૮૯નો રિપોર્ટ આવવાનો બાકી છે તેમ જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ જણાવ્યું હતું.