કૃષી-બાગાયત, આરોગ્ય, ખાણખનીજ, નાણાંકીય એકમો શરૂ કરી શકાશે

0

કોરોના વાયરસ કોવિડ-૧૯ મહામારી અંતર્ગત ભારત સરકાર દ્વારા ૨૫ માર્ચ થી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરાયેલ. ત્યારબાદ લોકડાઉનની મુદત વધારી તા.૩-૫-૨૦ સુધી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં પણ લોકડાઉન તા.૩-૫-૨૦ સુધી અમલમાં રહેશે. આ દરમ્યાન લોકોને આવશ્યક ચીજવસ્તુ સરળતાથી ઉપલબ્ધ થાય અને પ્રજાની હાડમારી દુર થાય એ માટે શરતોને આધીન વધારાની પ્રવૃત્તિઓ અને પરવાનગી આપવા સૂચના થયેલ છે. જે સંદર્ભે જૂનાગઢ જિલ્લામાં શરતોને આધીન આવશ્યક સેવાઓ, કૃષિ, બાગાયતી, આરોગ્ય, ખાણ ખનીજ, નાણાકીય એકમો શરૂ કરી શકાશે. આ એકમો શરૂ કરવા તથા વિશેષ પ્રવૃત્તિને છૂટછાટ સંબંધિ પરવાનગી આપવા નોડલ અધિકારીઓની જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારઘીએ હુકમ કર્યો છે. આવશ્યક સેવાને લગતા તથા તે સાથે સંકળાયેલા જુદા જુદા પ્રકારના ઉત્પાદન એકમો માટે નોડલ અધિકારી જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એપીએમસી તથા તેને સંલગ્ન એકમો તથા દૂધ ઉત્પાદન અને તેને સંલગ્ન બાબતો માટે જિલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ, આવશ્યક સેવાને લગતા તે સાથે સંકળાયેલ શોપ એકટ મુજબ નોંધાયેલી શહેરી વિસ્તારની દુકાનો માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનપા જૂનાગઢ (જૂનાગઢ મનપા વિસ્તાર માટે) ચીફ ઓફિસર નગરપાલિકા (જે તે નગરપાલિકા વિસ્તાર માટે) નોડલ અધિકારી રહેશે.
જંતુનાશક દવાઓ, ખાતર, બિયારણ, કૃષિ ઉત્પાદન અને કૃષિ ઓજારોની દુકાન માટે નાયબ ખેતી નિયામક શ્રી (વિ), હાઇવે પરની ઓટો ગેરેજ,સ્પેર પાર્ટસ તથા પંચરની દુકાનો માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, મત્સયોધોગ, માછલીના સીડ-ખોરાક તથા તેને આનુસંગિક પ્રવૃત્તિ માટેના કામદારોની હેરફેર માટે મત્સ્યોદ્યોગ અધિક્ષકશ્રી માંગરોળ, મરઘા (પોલ્ટ્રી ફાર્મ)પશુધન ઉછેર સહિતના પશુધન ફાર્મના કામકાજ તેમજ ગૌશાળાઓ સહીત પશુઓના આશ્રય ગૃહોના કામકાજને લગતી કામગીરી માટે નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત નોડલ અધિકારી રહેશે.
આરબીઆઇ દ્વારા નિયમન તથા નાણાંકીય બજારો, બેંકની શાખાઓ, એટીએમ, બેંક સંબંધિત આઈટી સેવાઓ,એસઈબીઆઈ તેમજ આઈઆરડીને લગત કામગીરી માટે લીડ બેન્કના મેનેજર, તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઓનલાઇન શિક્ષણ તથા તેને સંબંધિત પરવાનગી/પાસ ઈસ્યુ કરવા અંગેની કામગીરી માટે જિલ્લા શિક્ષણાધિકારી, મનરેગાના કામો માટે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખાણ ખનીજ તથા સ્ફોટક પદાર્થોનો પુરવઠા તેમજ ખનન કામકાજને લગતી આનૂસંગિક પ્રવૃત્તિઓ માટે ભૂસ્તરશાસ્ત્રી નોડલ અધિકારી રહેશે.
ગ્રામ્ય વિસ્તારમાં રોડ સિંચાઈના પ્રોજેક્ટ, મકાનોનું બાંધકામ, ઔધોગીક પ્રોજેક્ટનાં બાંધકામ અંગેની આનુસંગિક કામગીરી કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ, બાગાયત પાકો તથા તેને સંલ્ગન એકમોને લગતી પ્રવૃતીઓ માટે નાયબ બાગાયત નિયામક નોડલ અધિકારી રહેશે. તમામ પ્રકારના ઉત્પાદન એકમોમાંથી સોશીયલ ડિસ્ટન્સીંગ તથા મંજૂરી આપનાર ઓથોરિટીની પરવાનગીની શરતોનું પાલન થાય છે કે કેમ તે અંગેની ચકાસણી કરવાની કામગીરી મદદનીશ નિયામક શ્રી ઐાદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા કરવામાં આવશે. ઉપર મુજબના હુકમ મુજબ સંબંધિત નોડલ અધિકારીએ એકમ વિક્રેતા તરફથી રજ રજૂ થયેથી ગુણદોષના આધારે મંજૂરી આપવાની રહેશે. તેમજ મંજૂરી આપવામાં આવે તેવા એકમોમાં ન્યૂનતમ જરૂરિયાત મુજબના શ્રમિકો માટે પણ સંબંધિત અધિકારી એ પાસ ઇસ્યુ કરવા.
મંજૂરી અપાયેલ એકમોએ સોશ્યલ ડિસટન્સ જાળવવા સાથે કોઈ કોવિડ-૧૯ અંતર્ગત થયેલ પ્રસિદ્ધ થયેલા આરોગ્ય વિષયક માપદંડોનું પાલન કરવાનું રહેશે. મંજુરી હુકમમાં શરતો દર્શાવવા સાથે તેના અમલીકરણ માટે જરૂરી પગલાં લેવાના રહેશે.કોવિડ-૧૯ની માર્ગદર્શિકા ભંગ બદલ સંબંધીત એકમ કે વિક્રેતા સામે ફરિયાદ દાખલ કરવા પણ કાર્યવાહી થશે. મંજૂરી અપાયેલ એકમોએ બહારના જિલ્લામાંથી મજૂરો કામદારો લાવી શકશે નહીં. તેમજ આવા એકમો સાથે સંકળાયેલ વ્યક્તિ અન્ય જિલ્લામાંથી આવન-જાવન કરી શકશે નહીં. આ શરતો સાથે પરવાનગી અપાશે. તેમજ આ બાબતે અમલવારી ન થતા મંજૂરી આપોઆપ રદ થશે. અને નિયમોનુસાર ફરિયાદ મંજૂરી આપનાર નોડલ અધિકારીએ દાખલ કરવાની રહેશે.
મંજૂરી સાથે જે તે એકમે બાહેંધરી પત્ર પણ આપવાની રહેશે. આ હુકમનું ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીએ સતત મોનિટરિંગ કરવાનું રહેશે. આ ફાળવેલ કામગીરીમાં નિષ્કાળજી રાખનાર અધિકારી કર્મચારી વિરૂધ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની જોગવાઈ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ હુકમમાં વધુમાં જણાવ્યું છે.

error: Content is protected !!