ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા આર્થીક પેકજ અથવા લોનના હપ્તા- બાબતે રાહત આપવા માંગણી

0

ગીર સોમનાથમાં સીમેન્ટ, ફીશ, કેમીકલ, કેસર કેરી જેવા મોટા મોટા ઉદ્યોગો કાર્યરત છે. જેમાં અંદાજે બે હજારથી વધુ ટ્રકો કાયમી દોડે છે. પરંતુ હાલ ચાલી રહેલ લોકડાઉનના કારણે ટ્રકોના પૈડા થંભી જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો હોવાથી સ્ટાફની જવાબદારી, ટ્રકોનાં લોનના હપ્તાઓ ચડી ગયા જેવી અનેક પ્રકારની મુશ્કેલીઓ ટ્રક માલીકોના શીરે આવી પડી છે. ત્યારે રાજયના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે સરકાર રાહતરૂપી પેકેજ જાહેર કરે તે અંગે ગીર સોમનાથ જીલ્લા ટ્રક વેલ્ફેર એસોસીએશને સરકારને રજુઆત કરી છે.
ગીર-સોમનાથ જીલ્લા ટ્રક વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ સતીશભાઇ વાળાએ રજુઆતમાં જણાવેલ કે, સરકારે લોકડાઉનથી પ્રભાવિત થયેલા નાના-મોટા મેન્યુફેકચર એકમોને, બિલ્ડર જેવા અનેક ઉદ્યોગોને રાહત પેકેજ આપી ધમધમતા કરવામાં આવશે તેવી વાત કરી રહી છે. તો બીજી તરફ રાહત પેકેજમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને રાહત મળે તેવી કોઇ વાત થઇ રહી ન હોવાની ટ્રાન્સપોર્ટરોમાં ચર્ચાઓ ઉઠી છે. લાંબા સમયથી અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરી રહેલ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર કોરોના મહામારીના કારણે મોટુ આર્થીક નુકશાનરૂપી ભારણ આવી પડયુ હોવાથી ટ્રક માલીકો મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાના કારણે અગાઉ જાહેર કરાયેલ ૨૧ દિવસના લોકડાઉનમાં સરકારે લોનના હપ્તા બાબતે ત્રણ હપ્તાનું મોરીટોરીયમ આપેલ હતુ. હવે ફરી ૧૯ દિવસનું બીજું લોકડાઉન જાહેર કરાયેલ છે ત્યારે હવે સરકાર કેટલા માસનું મોરીટોરીયમ આપશે કે કેમ ? તે પ્રશ્ન ટ્રક માલીકોમાં ચર્ચાય રહેલ છે. હાલ લોકડાઉનમાં સરકારે ટ્રક ટ્રાન્સપોર્ટને ચાલુ કરવા જણાવ્યું છે પરંતુ કોરોના મહામારીને લીધે એક મહિના જેવા સમયથી ટ્રકોના પૈડા થંભી ગયા હોવાથી ટ્રક માલીકો આર્થીક મુશ્કેલીનો સામાનો કરી રહેલ હોવાથી ટ્રકો દોડાવી શકે તેવી સ્થિતીમાં નથી. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં અંદાજે બે હજારથી વધુ ટ્રકોમાંથી માત્ર ૫૦૦ ટ્રકો જ દોડી રહયા છે. હાલ લોકડાઉનમાં માર્કેટ-બજારો જડબેસલાક બંધ હોવાથી કંપનીઓમાંથી ટ્રાન્સપોર્ટના પ્રમાણમાં ઓર્ડર પણ મળતા નથી. તો બીજી તરફ માલને લોડીંગ-અનલોડીંગ કરવા માટે મજુરોની પણ અછત છે. હાઇવે ઉપર ટ્રકોના મેઇન્ટેનન્સ માટેની જરૂરી વ્યવસ્થાઓ પણ નથી જેના લીધે અનેક હાડમારીઓ ઉભી છે. ટ્રાન્સેપોર્ટ ઉદ્યોગ આવી કપરી પસ્થિતીમાં હોવા છતાં બેંકો તથા ફાયનાન્સમાં લોનના મોરીટોરીયમ કર્યા બાદ પણ ટ્રકોની લોનના હપ્તાઓ ખાતામાંથી ડાયરેકટ કપાત કરી રહી છે. આ બાબતે સંબંધીત બેંકોને જાણ કરીએ તો તે લોકડાઉનનો હવાલો આપી છટકી જાય છે. આગામી સમયમાં સરકાર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા માટે આર્થીક પેકેજ જાહેર નહીં કરે અથવા ટ્રકોની લોનના હપ્તા બાબતે રાહત નહીં આપે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ થકી રોજીરોટી રળતા લાખો લોકો બેરોજગાર બની જશે તેવી સ્થિતિનું નિર્માણ થશે. જેથી ઉપરોકત તમામ વિગતોને ધ્યાને લઇ સરકાર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે રાહતરૂપી જાહેરાત કરે તેવી માંગ કરી છે.