ગીર સોમનાથ જીલ્લામાં નગરપાલીકાની હદ બહારના વિસ્તારમાં આવેલા ઉદ્યોગો શરૂ કરવા તંત્રએ મંજુરીઓ આપી

0

કોરોના સંક્રમણનો ખતરો જે વિસ્તારોમાં ઓછો છે તે વિસ્તારોમાં અર્થતંત્ર વેગવંતુ બને તે હેતુસર ઉદ્યોગોને શરૂ કરવા અમુક શરતોને આધીન છુટછાટ સરકારે આપવાની જાહેરાત કરી છે. જેના પગલે ગીર સોમનાથ જીલ્લામાં આવેલા ૬ મોટા ઉદ્યોગો, ૭૫ જેટલી ફીશ એક્ષપોર્ટ કંપનીઓ અને કેરીના કાર્ટુન બોકસ બનાવતી પેકેજીંગ કંપનીઓને શરૂ કરવા ગીર સોમનાથ જીલ્લા વહીવટી તંત્રે મંજુરી આપી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે જણાવેલ કે, સરકારની ગાઇડલાઇન્સ મુજબ લોકડઉન-૨ માં ગીર સોમનાથ જીલ્લામાં અલગ-અલગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત અંબુજા સીમેન્ટ, સિધ્ધી સીમેન્ટ, સીમર પોર્ટ, જી.એચ.સી.એલ., શાપુરજી પાલુનજી એનર્જી સહિતના ૬ ઔદ્યોગીક એકમોને શરતોને આધીન એકમો શરૂ કરવાની છુટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગીર સોમનાથ જીલ્લામાં નેશનલ હાઇવેનું કામ કરતી એગ્રો ઇન્ફાસ્ટ્રક્ચર અને સદભાવ ઇન્ફાસ્ટ્રક્ચરને પણ હાઇવેનું કામ કરવા છુટ આપવામાં આવી છે. જયારે વેરાવળમાં કાર્યરત ઇન્ડીયન રેયોન કંપનીને ફકત ઇમરજન્સી કામ કાજ શરૂ કરવા આંશિક પરવાનગી આપવામાં આવી છે. વેરાવળ જીઆઇડીસીમાં ફીશ એક્ષપોર્ટ કરતા ૭૫ યુનિટોને શરૂ કરવા પરવાનગી અપાઇ છે. આ ઉપરાંત ગીર સોમનાથ જીલ્લામાં ગીરની પ્રખ્યાત કેસર કેરીને પેક કરવા માટે જરૂરી બોકસનું ઉત્પાદન કરતા પેકેજીંગ કાર્ટુન બનાવતા એકમોને પણ શરૂ કરવા પરવાનગી આપવામાં આવી છે.
ગીર સોમનાથ જીલ્લામાં કાર્યરત થનાર છ મોટા ઔદ્યોગિક એકમોએ તેમની કંપનીમાં જ કર્મચારીઓને રહેવા-જમવાની વ્યવસ્થા રાખવી પડશે તેમજ કામકાજમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવુ પડશે તેવી તાકીદ સાથે મંજૂરી આપવામાં આવી છે. આ ઔદ્યોગિક એકમો સહિત તમામ કાર્યરત થનાર એકમો-કંપનીઓએ જરૂર પુરતા લોકો સાથે સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવી કામકાજ શરૂ કરી શકશે. ગીસ્ર સોમનાથ જીલ્લામાં નગરપાલીકાની હદ બહાર વિસ્તારમાં આવેલા જ ઔદ્યોગીક એકમોને શરતોને આધીન છુટછાટ આપવામાં આવી છે. આની સાથે ગીર સોમનાથ જીલ્લામાં લોકડાઉનની કડક અમલવારી માટે જાહેર કરાયેલા જાહેરનામા યથાવત રહેશે જેનું સૌ કોઇએ પાલન કરતુ રહેવું પડશે.

error: Content is protected !!