હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી વગર પાસ પરમીટ કે પરવાનગી વગર જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા હોવાની ફરિયાદ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના ધ્યાન ઉપર આવતા જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર ખોલવામાં આવેલ ચેક પોસ્ટ ઉપર વધુ કડક ચેકીંગ હાથ ધરી વગર પાસ પરમીટ તથા પરવાનગી વગર પ્રવેશતા લોકો ઉપર ગુન્હાઓ નોંધવાની કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચનાનાં આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા નાકાઓ ઉપર પાડોશી જિલ્લામાંથી પ્રવેશતા માર્ગો ઉપર કુલ ૧૧ જેટલી ચેકપોસ્ટ ઉપર પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને તૈનાત કરી સઘન ચેકીંગ હાથ ધરી બહારના જિલ્લાઓમાંથી જૂનાગઢ જીલામાં તથા પાડોશી ગીર સોમનાથ જીલ્લામાં વગર પાસ પરમીટ તથા પરવાનગી વગર પ્રવેશતા લોકોને પકડી પાડી કાર્યવાહિ કરી, ધરપકડ કરી તમામ વિરૂધ્ધ આઇપીસી, ધી એપેડેમીક ડીસીઝ એકટ તથા ધી એપેડેમીક રેગ્યુલએશન એકટ, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરાંત જૂનાગઢ પોલીસ દ્વારા પાડોશી જિલ્લાના ગામડાઓમાં પણ જિલ્લામાં પ્રવેશતા ગામડાના રસ્તાઓ ઉપર પણ પોલીસની પેટ્રોલીંગ ગોઠવી બહારના જિલ્લામાંથી વગર પાસ પરમીટથી આવતા લોકોને તથા વાહનોને પકડી પાડવા માટે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા તમામ ચેક પોસ્ટ ઉપર ખાસ ચેકીંગ યોજી, ચેક પોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી અમદાવાદ, સુરત, રાજકોટ, ધોરાજી વિગેરે બહારથી જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લામાં આવેલ ૩૭ જેટલા ઈસમો ઉપર ૧૪ જેટલા કલેક્ટરશ્રીના લોકડાઉનના જાહેરનામા ભાંગના ગુન્હાઓ નોંધી, લોકોને જૂનાગઢમાં પરવાનગી વગર નહીં પ્રવેશવા તાકીદ કરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા ચેક પોસ્ટ ઉપર કરવામાં આવેલ સઘન કાર્યવાહીમાં વગર પરવાનગીએ જૂનાગઢમાં પ્રવેશ કરવા માંગતા ઘણા વાહનોને જ્યાંથી આવ્યા ત્યાં પરત કરવામાં આવતા વગર પરવાનગીએ જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ કરવા માંગતા લોકોને વિલા મોઢે પરત ફરવું પડયું હતું. ઉપરાંત ઘણા લોકોએ જૂનાગઢ આવવાનું માંડી વાળ્યું હતું.