જૂનાગઢ જીલ્લામાં પોલીસ દ્વારા લોકડાઉનની અમલવારીનું ચુસ્ત પાલન, કડક કાર્યાવહી

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જીલ્લાનાં તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વગર પાસ પરમીટ કે પરવાનગી વગર જૂનાગઢ જીલ્લામાં પ્રવેશી લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘનાં ધ્યાન ઉપર આવતા, જૂનાગઢ જીલ્લામાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર ખોલવામાં આવેલ ચેક પોસ્ટ ઉપર વધુ કડક ચેકીંગ હાથ ધરી, વગર પાસ પરમીટ તથા પરવાનગી વગર પ્રવેશતા લોકો ઉપર ગુન્હાઓ નોંધી, પરત કરવાની કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ છે. જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં પ્રવેશતા નાકાઓ ઉપર પાડોશી જીલ્લામાંથી પ્રવેશતા માર્ગો ઉપર કુલ ૧૧(અગિયાર) જેટલી ચેકપોસ્ટ ઉપર પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને તૈનાત કરી, સઘન ચેકીંગ હાથ ધરી, બહારના જીલ્લાઓમાંથી જૂનાગઢ જીલામાં તથા પાડોશી ગીર સોમનાથ જીલ્લામાં વગર પાસ-પરમીટ તથા પરવાનગી વગર પ્રવેશતા લોકોને પકડી પાડી, કાર્યવાહિ કરી, ધરપકડ કરી, જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરાંત, જૂનાગઢ પોલીસ દ્વારા પાડોશી જીલ્લાના ગામડાઓમાં પણ જીલ્લામાં પ્રવેશતા ગામડાનાં રસ્તાઓ ઉપર પણ પોલીસની પેટ્રોલીંગ ગોઠવી, બહારનાં જીલ્લામાંથી વગર પાસ પરમીટથી આવતા લોકોને તથા વાહનોને પકડી પાડવા માટે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે. આજરોજ જૂનાગઢ પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ ઉપર ખાસ ચેકીંગ યોજી, ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી, અમદાવાદ, સુરત, રાજકોટ, ધોરાજી, વિગેરે બહારથી જૂનાગઢ તથા જૂનાગઢ જીલ્લામાં આવેલ ૩૬ જેટલા લોકોને જૂનાગઢમાં પરવાનગી વગર નહીં પ્રવેશવા દઈ જ્યાંથી આવ્યા હતા ત્યાં પરત કરી, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. સામાન્ય રીતે માણસો મેડીકલનાં બહાના હેઠળ તેમજ બહારગામ નોકરીના બહાના હેઠળ જૂનાગઢથી બહાર તેમજ જૂનાગઢ અંદર પ્રવેશ કરે છે. હવેથી મેડિકલનાં બહાને રાજકોટ તેમજ જૂનાગઢથી બહાર ગામ જતા લોકોએ પાસ-પરમીટ અને પરવાનગી લેવી પડશે. વગર પાસ પરવાનગીએ માત્ર મેડીકલ ગ્રાઉન્ડ ઉપર બહાર જવા દેવામાં નહીં આવે, જેથી બહારગામ દવા લેવા જતા દર્દીઓએ પણ પાસ-પરમીટ અવશ્ય લઈને જવાનું રહેશે. વધુમાં, સરકારી નોકરી, બેન્ક, પ્રાઇવેટ નોકરી, ફેક્ટરીમાં નોકરી કરતા લોકો તેમજ ફેકટરી માલિકે પણ અવર જ્વર કરવા માટે પાસ લેવો જરૂરી છે. આવતીકાલથી પાસ વિનાનાં કોઈપણ કર્મચારી, માલિક કે મજૂરને ચેકપોસ્ટ ઉપરથી પસાર કરવામાં નહીં આવે. આવશ્યક સેવાઓ વાળાઓએ તેમજ ખેતીકામ કરતા લોકોએ પણ જૂનાગઢની બહાર નીકળવા માટે પાસ-પરમીટ મેળવી લેવાના રહેશે. ટૂંકમાં, પાસ પરમીટ વગરનાં લોકો તથા વાહનોની અવર જ્વર ઉપર જૂનાગઢની તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી, નિયંત્રણ લાવવામાં આવેલ હોય, તમામ લોકોએ બહારગામ જવા કે જૂનાગઢ જીલ્લામાં પ્રવેશ કરવા માટે પાસ મેળવી લેવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉપર કરવામાં આવેલ સઘન કાર્યવાહીમાં વગર પરવાનગીએ જૂનાગઢમાં પ્રવેશ કરવા માંગતા ઘણા વાહનોને જ્યાંથી આવ્યા ત્યાં પરત કરવામાં આવતા, વગર પરવાનગીએ જૂનાગઢ જીલ્લામાં પ્રવેશ કરવા માંગતા લોકોને વિલા મોઢે પરત ફરવું પડ્‌યું હતું. ઉપરાંત, ઘણા લોકોએ જૂનાગઢ આવવાનું માંડી વાળ્યું હતું. ઉપરાંત, જૂનાગઢ શહેર અને જીલ્લાનાં લોકો પણ સાવચેત થઈ ગયા છે અને આજુબાજુ કોઈ બહારગામ થઈ આવ્યા હોય તો, પોલીસ તથા વહીવટી તંત્રને સાવચેત કરતા હોવાથી પણ બહારથી આવેલ માણસોની જાણકારી પોલીસને મળતા કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનાં ભાગરૂપે જૂનાગઢ જીલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો અટકેલ હોય, જેને જાળવી રાખવા માટે જૂનાગઢ જીલ્લાનાં પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા કોરોના વાયરસ બાબતે લોકડાઉનનો અમલ કરાવી, લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ કરવામાં આવેલ છે.

error: Content is protected !!