ચીનથી પ્રારંભ થયેલા અને વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોના વાયરસનાં જીવલેણ રોગને ભારતમાં પ્રવેશ્યાને આજે એક મહિના કરતાં વધુ સમય થયો છે. ત્યારે આ ઘાતક રોગની સંક્રમણ શક્તિ નિવારવા માટે પરિબળ મનાતા લોક ડાઉનને ભારતમાં અમલી બન્યાને અને આજે મહિનો પુરો થયો છે. આ લોક ડાઉને તમામ લોકોની જિંદગીમાં આમૂલ પરિવર્તન લાવ્યું છે. અનેક વિકાસશીલ દેશોને કોરોના વાયરસ હાલ આવી રહ્યો છે, ત્યારે ભારત દેશ મહદ અંશે અન્ય મોટા અને સંપન્ન દેશોની સરખામણીમાં કોરોનાના સંકટને ઓછું કરવા સફળ રહ્યું હોવાનું ચિત્ર ઊપસ્યું છે. આ પરિસ્થિતિમાં ભારત દેશમાં અન્ય વિકસીત દેશો જેવા કે અમેરિકા, ઈટાલી, સ્પેન, જર્મની અને કોરોના વાયરસનો ઉદ્દભવ સ્થાન એવા ચીન જેવા દેશોની સરખામણીમાં હાલ આ રોગને અટકાવવા માટે સફળ રહ્યું છે. આ માટે ભારત દ્વારા સમયસર લોક ડાઉનના આ નિર્ણયને મહદ્ અંશે અનેક દેશોએ આવકાર્યો છે. ગત્ તા. ૨૩ મી માર્ચથી રાષ્ટ્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાવચેતીના પગલારૂપે લોક ડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે. ૨૧ દિવસના લોક ડાઉન પછી પણ પરિસ્થિતિ વિષમ દેખાતા આ લોક ડાઉન વધુ લંબાવવામાં આવ્યું છે. ત્યારે નિઃશંક પણે આ લોક ડાઉન આર્થિક રીતે વ્યવસાયકારીઓ તથા ઉદ્યોગકારો અને નાના મોટા ધંધાર્થીઓ માટે નુકસાનકારક સાબિત થઈ ગયું છે. પરંતુ માનવ જિંદગી તથા સલામતી માટે આ નુકશાન કંઈ ન કહેવાય. લોકડાઉન શબ્દ ભારતીય લોકો માટે નવો શબ્દ બની રહ્યો છે, અને તેની સંપૂર્ણ વ્યાખ્યાને મહદ અંશે લોકોએ આવકારી, અને ઘરમાં રહેવાનું તથા સાવચેતી રાખવાનું વધુ પસંદ કર્યું હતું. લોક ડાઉનના કારણે અનેક પરિવારો વધુ નજીક આવ્યા છે. અગાઉ કોઈપણ વ્યક્તિ તેમના ધંધા- વ્યવસાયના કારણે પરિવારને પૂરતો સમય આપી નથી નહોતો શકતો, તે વ્યક્તિ તેમના ઘર સંસારમાં જ રહી તેમના પત્ની બાળકો સાથે ઉલ્હાશભેર સમય પસાર કરતો થયો છે. એટલું જ નહીં જેણે ક્યારે પણ પાણીનો ગ્લાસ પણ નહીં ભર્યો હોય તે વ્યક્તિ પોતાના ઘરે રસોઈ બનાવી, પરિવારજનો સાથે આ અમુલ્ય સમયને માણી રહ્યો છે. કોરોના વાયરસના લીધે અનિવાર્ય બની ગયેલા લોક ડાઉનના લીધે આમ જાહેર જીવનમાં લોકોના બે ચહેરાઓ સામે આવ્યા છે. જેમાં સંકટ સમયે એકબીજાનો સાથ- સહકાર આપી, સહાયભૂત થવા માટેની દેશદાઝની ભાવના સાથે માનવતાવાદી ચહેરો. જ્યારે બીજી બાજુ આ તકનો ગેરલાભ લઈ, કેટલીક વસ્તુના કાળાબજાર તથા નિયમનું પાલન ન કરી હાલાકી ઉભી કરવા માટે બહાર આવતા કેટલાક તકવાદીઓ તથા હિતશત્રુઓ.હાલ લોક ડાઉન દરમ્યાન નાના શ્રમિક વર્ગનો માણસ, નાના બાળકથી માંડીને વેપારીઓ- ઉદ્યોગપતિઓ વિગેરે આ મહામારી સામે લડવા શક્ય કેટલું સમર્પણ આપી રહ્યા છે. જ્યારે લોક ડાઉનના આ જાહેરનામાનો ઉલાળિયો કરી સંક્રમણને ફેલાવવા જાણે મદદરૂપ થઈ રહ્યા હોય તેમ બહાર ભટકતા લોકોની બેકાળજી ભારે ટીકાપાત્ર બની રહી છે. આ સમગ્ર મહામારી અને લોક ડાઉનની પરિસ્થિતિમાં સૌથી વધુ અગ્નિ પરીક્ષા થઈ રહી હોય તે છે ફ્રન્ટ લાઈન વોરિયર્સ એવા તબીબી સ્ટાફ તથા પોલીસ સ્ટાફ. આ રોગચાળામાં લોક ડાઉન વચ્ચે જીવના જોખમે પણ તબીબો તથા ર્નસિંગ સ્ટાફની સેવા હાલ ભગવાનના આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. ત્યારે પોલીસ જવાનો અને અધિકારીઓની નોંધપાત્ર જહેમત તથા કાયદાની અમલવારી માટે અવિરત રીતે સતત જાગૃતિ ઉપરાંત સલામતી માટેના વિવિધ પગલાં પણ કાબિલે દાદ બન્યા છે. હાલની પરિસ્થિતિમાં સમગ્ર ભારતમાં ઉચ્ચ નેતાગીરી સાથે તબીબો અને પોલીસની કામગીરીએ સમગ્ર વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. બે વખતના લોક ડાઉન વચ્ચે પણ હાલ કોરોના વાયરસનું સંક્રમણ કાબુમાં ન આવતા આ બાબત પણ એક ચિંતાનો વિષય બની રહ્યો છે. લોકો હાલ આ સંક્રમણ વહેલી તકે કાબુમાં આવે અને પરિસ્થિતિ પુનઃ “જૈસે થે” તેવી બને એ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી રહ્યા છે. આમ લોક ડાઉન દ્વારા “કહીં ખુશી, જ્યાદા ગમ” જેવી બની ગઈ છે. આ તમામ વિકટ પરિસ્થિતિનો સમય પણ અવશ્ય પસાર થઈ જશે. આ સમયગાળો નાની-મોટી પ્રત્યેક વ્યક્તિઓ માટે આજીવન અવિસ્મરણીય બની રહેશે. આ પરિસ્થિતિને કચકડે કંડારવા માટે નાના-મોટા સૌ કોઈ લોકો તેમના મોબાઈલમાં ફોટો- વિડીયો સ્વરૂપે સંગ્રહિત કરી આ યાદગાર ક્ષણો સંગ્રહિત કરી રહ્યા છે.