લોકડાઉનને કારણે મોટાભાગના વેપારીઓના નાણા ફસાયા છે : કેન્દ્ર સરકારે ટેકસ કોમ્પલાયન્સની તારીખ લંબાવી રાહત આપવા વેપારીઓની માંગણી

0

કોરોના વાયરસને કારણે સરકારે પ્રથમ લોકડાઉન વખતે ટેકસ કોમ્પલાયન્સની તારીખ લંબાવી હતી પરંતુ પ્રથમ લોકડાઉનની તારીખ એટલે કે ૧૪ એપ્રિલને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો હતો પરંતુ તે પછી વડાપ્રધાન મોદીએ લોકડાઉનનો ગાળો લંબાવી ૩ મે સુધી કર્યો છે. તેથી બધી તારીખો પણ ૩૦-૫-૨૦૨૦ સુધી લંબાવવી જોઈએ કે જેથી વેપારીઓને રાહત થાય અને વ્યાજનો બોજો સહન કરવો ન પડે. અત્રે એ નોંધનીય છે કે ધંધા-ઉદ્યોગ બંધ હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં છે, આવક થતી નથી આ સંજોગોમાં સરકારે તારીખ લંબાવવી જોઈએ તેવી વેપારીઓની માંગણી છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે હાલ આવકનું સાધન કોઈ છે નહિ. આ સંજોગોમાં જો સરકાર તારીખ નહિ લંબાવે તો મોટા ભાગના વેપારીઓ પૈસા ભરી નહિ શકે. એટલુ જ નહિ હાલ કુરીયર સેવા પણ બંધ છે. વેપારીઓના મોટાભાગના બીલો, ચેક, ડ્રાફટ પણ કુરીયરમાં સલવાયેલા છે એટલે કે વેપારીઓના તમામ પેમેન્ટ સલવાય ગયા છે. વેપારીઓ પાસે પૈસા આવ્યા ન હોય તો તેઓ પૈસા કેવી રીતે ભરી શકે ? સરકારે કોરોના વાયરસને કારણે ઈ-વે બીલની કાયદેસરતાને ૩૦ એપ્રિલ સુધી વધારી દીધી હતી કે જેની કાયદેસરતા ૨૦ માર્ચથી ૧૫ એપ્રિલ વચ્ચે પુરી થતી હતી. તેનો અર્થ એ હતો કે ૨૦ માર્ચથી ૧૪ એપ્રિલ વચ્ચે જેમની મુદત પુરી થતી હતી તે ઈ-વે બીલને ફરીથી બનાવ્યા વગર ૧૬થી ૩૦ એપ્રિલ સુધી માલનુ પરિવહન કરી શકત પરંતુ લોકડાઉન ૩જી મે સુધી લંબાવવામાં આવ્યુ છે તેથી હવે સરકારે જીએસટીઆર થ્રીબી અને ઈ-વે બીલની મુદત લંબાવવી જોઈએ તેવી માંગણી ઉઠી છે. વેપારીઓને આર્થિક નુકશાનથી બચાવવા માટે સરકારે વહેલી તકે નિર્ણય જાહેર કરવો જોઈએ.