જૂનાગઢ શહેર અને જીલ્લો સલામત રહેવાના ભાગરૂપે લગ્ન મંજુરીનું જાહેરનામું રદ કરતાં કલેકટર

0

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર ભારે તરખાટ મચાવી રહેલ છે. વિશ્વનાં દેશો પણ આ મહામારીનાં જંગ સામે ફાઈટ આપી રહ્યાં છે જયારે જૂનાગઢ શહેર અને જૂનાગઢ જીલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તેમજ આરોગ્ય વિભાગ, કોર્પોરેશન તંત્ર તેમજ સહયોગી તમામ વિભાગો અને આમ જનતાનાં સહયોગ સાથે જાગૃતિની મિસાલ પેટાવવામાં આવી છે અને જેને કારણે જૂનાગઢ શહેર અને જીલ્લામાં એકપણ કેસ હજુ સુધી કોરોનાનો નોંધાયો નથી ત્યારે હજુ પણ લોકોને સાવચેતી અને સલામતી માટે જાગૃત્તિ દાખવવા અને સંપૂર્ણ સહકાર આપવા જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ ગઈકાલે મોડી રાત્રે જૂનાગઢ શહેર અને સોરઠ જીલ્લામાં લગ્નની મંજુરી આપતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ લોકોની સલામતી અને સાવચેતીને ધ્યાને લઈ તેમજ બહારથી લોકો પ્રવેશવાની આશંકાએ આ જાહેરનામાને રદ કરી નાંખતો હુકમ તાત્કાલિક અસરથી જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા બહાર પાડવામાં આવ્યો હોવાનું કલેકટરશ્રીએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
કોરોના સામેની જયારથી લડાઈ શરૂ થઈ છે ત્યારથી જૂનાગઢ શહેર અને જીલ્લામાં સાવચેતી માટેનાં તમામ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, જીલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતા, જીલ્લા આયુર્વેદ અધિકારી મહેશ વારા, મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા તેમજ આરોગ્ય વિભાગનાં તમામ કાર્યકતાઓ ઉપરાંત ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને સમગ્ર પોલીસ દળ સતત કાર્યરત છે અને જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ સંપૂર્ણ લોકડાઉનનું અમલીકરણ થઈ રહ્યું છે તે આવકારદાયક છે. દરમ્યાન ગઈકાલે ગુરૂવારે લગ્નને મંજુરી આપતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું અને આ જાહેરનામાને પ્રસિધ્ધ કરાયાનાં થોડા સમયમાં જ તાત્કાલિક અસરથી વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને જેમાં લગ્ન માટે અન્ય જીલ્લામાંથી પણ લોકો આવવાની આશંકાને પગલે જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘીએ નવું જાહેરનામું પ્રસિધ્ધ કરી અને લગ્નને મંજુરી આપતું જાહેરનામું રદ કર્યું હતું. આ તકે વિશેષમાં જીલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ, રાજકોટ કે અન્ય વિસ્તારોમાંથી લગ્ન પ્રસંગોએ લોકો આવે તો મુશ્કેલી સર્જાઈ તેમ હતી અને એટલા માટે જ આ જાહેરનામાને રદ કરવામાં આવ્યું હતું અને લોકાડઉન પૂર્ણ થયા બાદ જ લગ્ન માટેની મંજુરી આપવામાં આવશે. આ સાથે જ તેઓએ જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતાને જણાવ્યું છે કે આજે કોરોનાનાં વાયરસનાં ખતરા સામે જૂનાગઢ શહેર અને સોરઠ જીલ્લામાં જે પ્રકારે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે તે સરાહનીય છે એટલું જ નહીં આમપ્રજા અને લોકો પણ સહયોગ આપી રહ્યાં છે અને હજુ પણ આગામી દિવસોમાં આપણે સૌ સાથે મળી અને જાગૃત્તિ દાખવશું અને તો જ આપણું શહેર જૂનાગઢ અને આપણો જીલ્લો જૂનાગઢ સલામત રહેશે. કોરોના મુક્ત રહેશે જેથી લોકોને હજુ પણ વધુને વધુ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

error: Content is protected !!