દ્વારકાના યુવાને ફેક આઈ.ડી. બનાવી તરૂણીની પજવણી કરતા પોલીસ ફરિયાદ

0

દ્વારકામાં રહેતી ૧૬ વર્ષની એક સગીરાને દ્વારકાના જ રહીશ શખ્સે ધરાર સંબંધ રાખવાનું કહી, બદનામ કરવાના હેતુથી ફેક આઈ.ડી. બનાવીને બિભત્સ કોમેન્ટ કરવા સબબની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં રહેતી ૧૬ વર્ષ, ચાર માસની વયની એક સગીર યુવતીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું કહી, દ્વારકામાં જ ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરતા કાનાભા બાબુભા માણેક નામના ૨૨ વર્ષના હિન્દુ વાઘેર શખ્સે આશરે છએક માસ પહેલા એકલતાનો ગેરલાભ લઈ, આ સગીરાની પજવણી કરી હતી. આ જાતિય સતામણી પછી પણ કાનાભાએ સગીરાને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું કહેતાં સગીરાએ ના કહી હતી. આ અંગેનો ખાર રાખી, આરોપી શખ્સે ફેસબુક ઉપર એક ફેક આઈ.ડી. બનાવી હતી. આ ફેક આઈ.ડી.માં આરોપી શખ્સે સગીરાના બિભત્સ ફોટા મૂકી, તેણી વિષે ચારિત્ર્ય અંગે બિભત્સ કોમેન્ટ શેર કરી હતી. સગીરાને બદનામ કરવા સબબ દ્વારકા પોલીસે આરોપી શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ દ્વારકાના પોલિસ ઇન્સ્પેક્ટર વી. વી. વાગડીયાએ હાથ ધરી છે.