સિંહોનાં મૃત્યુંના બનાવનાં પગલે ભારે ખળભળાટ, ૬ સિંહનાં રેસ્કયુ સાથે સેમ્પલ લઈ જૂનાગઢ ખસેડાયા

0

ધારી ગીરપૂર્વમાં છેલ્લાં કેટલાક સમયથી સિંહોમાં ભેદી રોગચાળો પ્રસરી રહ્યો છે ત્યારે તેને લઈને વનવિભાગ ઉંધા માથે થયું છે અને સિંહોમાં પ્રવેશી ગયેલા રોગચાળાને નાથવા તેમજ સિંહોનાં બચાવની જવાબદારી ડો.અંશુમન શર્માને સોંપવામાં આવી છે અને તેમનાં દ્વારા વન્યપ્રાણીઓનાં રખોપા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
છેલ્લાં બે માસમાં ૧૯ થી વધુ સિંહોનાં ધારી-ગીર પૂર્વમાં મૃત્યું થયાનાં બનાવનાં પગલે ભારે ખળભળાટ મચી જવા પામેલ છે એટલું જ નહીં કેટલાય બાળ તથા પાટડા સિંહો ભેદી રોગથી કણસી રહ્યાં હોવાની વાત પણ બહાર આવી છે. દલખાણીયા રેન્જમાં જ ૧૯ સિંહોનાં મોત બાદ આ વખતે ખાંભા, તુલસીશ્યામ રેન્જનું પીપળવા રાઉન્ડ સિંહોનાં મોતનું એપી સેન્ટર બન્યું છે. બે માસમાં ૧૯ સિંહોનાં મોતમાં પીપળવામાં એક જ રાઉન્ડમાં ૮ સિંહનાં મૃત્યું નિપજ્યાં હતાં. આમ અચાનક સિંહોનાં મૃત્યુનાં પગલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેનાં સભ્ય તરીકે સક્કરબાગ ઝુ નાં પૂર્વ ડિરેકટર ડો.રામરત્ન નાલા કે જેઓ હાલ કેવડીયા કોલોની ખાતે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ દોડી આવ્યા કમીટીનાં સભ્ય કમીટીએ તાત્કાલીક બેઠક કરી જસાધાર એનીમલ કેર સેન્ટર હોસ્પિટલની મુલાકાત લઈ ત્યાં અલગ-અલગ રેન્જનાં આર.એફ.ઓ., વેટરનરી ડોકટરોની બેઠક બોલાવી હતી. સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવી સિંહોને થતાં ભેદી રોગના લક્ષણો વિષે માહિતગાર કર્યા હતાં. વિશેષમાં ર૧ સિંહને રોગ ન હોવાનાં રટણ વચ્ચે નિરીક્ષણમાં કેનાઈટ ડીસ્ટેમ્પર રોગ વખતે બનેલી કમીટીની ખાસ બેઠક મળી હતી અને જેમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. મળતી વિગત અનુસાર તુલસી શ્યામ રેન્જમાંથી ૧૬ સિંહો અને સાવરકુંડલા રેન્જનાં ૧ સિંહ મળી ૧૭ સિંહોનું રેસ્કયુ કરી જસાધાર એનીમલ સેન્ટર ખાતે રાખ્યા બાદ ફરી ૭ સિંહનું મીતીયાળા અભ્યારણ્ય નજીકથી રેસ્કયુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધારી ગીર પૂર્વમાં છ સિંહનું રેસ્કયુ કરી અને તેનાં સેમ્પલ જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જસાધાર રેન્જ અને તુલસીશ્યામ રેન્જમાં ત્રણ માસ પહેલાં બે ગૃપને ઝેરી વાયરસ થયો હતો. વિશેષમાં ધારી ગીર પૂર્વની સાત રેન્જાની વન્યપ્રાણીઓનું રખોપું કરવાની જવાબદારી ફરી એકવાર ડો.અંશુમન શર્માને સોંપવામાં આવી છે અને તેમને ચાર્જ લઈ અને અમરેલી, જૂનાગઢ, તથા ગિર સોમનાથ જંગલ વિસ્તારમાં રહેલા સિંહોનાં રક્ષણ માટે વન્ય વિભાગ દ્વારા સિંહોની રખેવાળી માટેની તથા રસીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.