કેન્દ્ર અને રાજય સરકારે અમુક વ્યવસાયની દુકાનો કયા વિસ્તારોમાં ખોલી શકાશે તે અંગે કરેલ જાહેરાતો બાદ વેપારીઓ મુંઝવણભરી સ્થિતિમાં મુકાયા છે. દરમ્યાન ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે ગીર સોમનાથ જીલ્લામાં અમુક શરતોને આધીન કયા પ્રકારની દુકાનો કેટલા વાગ્યા સુધી ખોલી શકાશે તે અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. તેમ છતાં હજુ પણ વેપારીઓ મુંઝવણભરી સ્થિતિમાં હોવાથી ગઈકાલે સવારે ગીર સોમનાથ જીલ્લાનાં મથક વેરાવળની બજારોમાં અનેક વ્યવસાયની દુકાનો વેપારીઓ દ્વારા ખોલી દેવામાં આવી હતી. જેના પગલે બજારોમાં દોડી ગયેલા પોલીસ અધિકારીઓએ વેપારીઓને સમજાવટ કરી દુકાનો ફરી બંધ કરાવી હતી. જો કે, આ તકે વેપારીઓ દ્વારા શહેરમાં કયા વ્યવસાયની કયા વિસ્તારોમાં કેટલા કલાક સુધી દુકાનો ખોલી શકાય તે અંગે તંત્ર સ્પષ્ટતા કરતી યાદી પ્રકાશીત કરવી જોઇએ તેવી માંગ કરી હતી. જો કે, ગઈકાલે સવારે ગીર સોમનાથનાં જીલ્લા મથક વેરાવળમાં વેપારીઓએ દુકાન ખોલી નાંખ્યા જેવી સ્થિતિ ગીર સોમનાથ જીલ્લાના મોટાભાગના શહેરોમાં સર્જાય હોવાથી તંત્ર વ્હેલીતકે કયા વ્યવસાયની દુકાનો ખોલી શકે તેની સ્પષ્ટતાવાળી યાદી પ્રકાશિત કરે તેવી વેપારીવર્ગમાંથી માંગ ઉઠી છે.
ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે બહાર પાડેલ જાહેરનામામાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માર્કેટ કોમ્પલેક્ષ, શોપીંગ કોમ્પલેક્ષ સિવાયની રહેણાંક સંકુલોમાં આવેલી દુકાનો કે જે શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ હોય તેવી ૫૦ ટકા કર્મચારીઓ સાથે ચાલુ રાખી શકશે. નગરપાલીકા વિસ્તારમાં આવેલ માર્કેટ કોમ્પલેક્ષ, મલ્ટીબ્રાન્ડ અને સીંગલબ્રાન્ડ મોલમાં આવેલ દુકાનો સિવાયની એકાકી દુકાનો, રહેણાંકિય વિસ્તારને અડીને આવેલ દુકાનો કે જે શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ હોય તેઓએ ૫૦ ટકા કર્મચારીઓ સાથે ચાલુ રાખી શકશે. તમાકુ, પાન, ગુટકા, સિગારેટ, દારૂ, વાણંદોની દુકાનો, સ્પા, ચાની દુકાનો, ફરસાણ, ખાણીપીણીની રેકડીઓ-રેસ્ટોરન્ટો-હોટલો, મીઠાઈની દુકાનો બંધ રહેશે. ગીર સોમનાથ જીલ્લામાં જે વિસ્તાર કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર થયેલ છે કે ભવિષ્યમાં જાહેર થાય તેવા વિસ્તારમાં કોઈપણ પ્રકારની દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. મંજુરી આપવામાં આવેલ દુકાનો સવારે ૮ કલાક થી બપોરે ૨ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે. મંજુરી આપેલ દુકાનદારોએ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું, હેન્ડવોશ, સેનીટાઈઝર, માસ્કની વ્યાવસ્થા રાખવી પડશે અને પહેરવું પડશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.